Get The App

ગ્રીન ટી, ફ્લાવર ટી અને હર્બલ ટીને હવે 'ચા' કહી શકાશે નહીં

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
ગ્રીન ટી, ફ્લાવર ટી અને હર્બલ ટીને હવે 'ચા' કહી શકાશે નહીં 1 - image

- ઉત્પાદન, પેકિંગ, માર્કેટિંગમાં બધી ચા માટે ચાનો ઉપયોગ નહીં થાય 

- કેમેલિયા સાઈનેન્સિસના છોડમાંથી બને તેને જ ચા કહી શકાશે  એફએસએસએઆઈએ નવી વ્યાખ્યા જાહેર કરી

નવી દિલ્હી : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા-એફએસએસએઆઈના નવા નિર્દેશ પ્રમાણે માત્ર કેમેલિયા સાઈનેન્સિસના છોડને જ ચા કહેવાશે. હર્બલ ટી, ગ્રીન ટી કે ફ્લાવર ટી એવી કોઈ પણ પ્રકારની ટી હવે ચા કહેવાશે નહીં. તેનું ચા કહીને બ્રાન્ડિંગ કરવું ગેરકાયદે ગણાશે. આ નિર્દેશનું પાલન નહીં કરે તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬નું ઉલ્લંઘન ગણીને કાર્યવાહી કરાશે.

અત્યારે માર્કેટમાં ચા ઉપરાંત અનેક ચા મળે છે. હર્બલ ટીથી માંડીને ગ્રીન ટી, કાંગડા ટી, ઈન્સ્ટન્ટ ટી વગેરે ચાને ચા કહી શકાશે નહીં. ચા માત્ર કેમેલિયા સાઈનેન્સિસના છોડમાંથી બનશે તેને જ ચા કહેવાશે. 

ખરીદ, વેચાણ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, ઈ-કોમર્સ એ તમામને આ નવો નિર્દેશ લાગુ પડશે. જો ચા સિવાય ક્યાંય ચાનો ઉપયોગ બ્રાન્ડિંગમાં થશે તો તેની સામે કાર્યવાહી થઈ શકશે.

એફએસએસએઆઈએ આ પગલું એટલે ભર્યું કે અત્યારે ચાની વ્યાખ્યામાં બહુ જ ભ્રમ ફેલાઈ રહ્યો છે. કેટલીય પ્રોડક્ટ જુદી જુદી પ્રકારની ચા ગણાવીને વેચાઈ રહી છે. એફએસએસએઆઈના પગલાંથી એવો દાવો થઈ રહ્યો  છે ભ્રમ ફેલાતો અટકશે અને ગ્રાહકોને ચાની ઓળખ કરવામાં સરળતા રહેશે. હર્બલ ફ્યૂઝન હશે તો એ પણ ચા ગણાશે નહીં. અત્યારે એવા કેટલાય ફ્યૂઝન માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમાં ચા લખવામાં આવે છે અને તેનું બ્રાન્ડિંગ એ રીતે કરીને કમાણી થાય છે.