પ્રદૂષણ મુક્ત દિવાળી માટે ‘ગ્રીન ફટાકડા’નો વિકલ્પ, સામાન્ય ફટાકડાથી તે કેવી રીતે છે અલગ? જાણો નવી ગાઈડલાઈન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Green Firecrackers Diwali Guidelines: દિવાળી એટલે રોશની, ઉમંગ અને ખુશીઓનો તહેવાર! પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ફટાકડાના ધુમાડાને કારણે વધતું પ્રદૂષણ ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. ખાસ કરીને દિલ્હી અને તેની આસપાસના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં દિવાળી પછી હવાની ગુણવત્તા એટલી હદે કથળી જાય છે કે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિને સુધારવા અને લોકોની ધાર્મિક આસ્થા જાળવી રાખવા માટે, સુપ્રીમ કોર્ટે પર્યાવરણ અને ઉજવણી વચ્ચે સંતુલન જાળવતો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટે દિલ્હી-એનસીઆરમાં 7 અને 8 નવેમ્બરના રોજ કડક શરતો સાથે માત્ર 'લીલા ફટાકડા' (ગ્રીન ફટાકડા) ફોડવાની મંજૂરી આપી છે. ચાલો, સમજીએ કે આ ગ્રીન ફટાકડા ખરેખર શું છે, તે પરંપરાગત ફટાકડાથી કેવી રીતે અલગ પડે છે, અને સુપ્રીમ કોર્ટે તેના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ માટે કયા નિયમો બનાવ્યા છે.
સુપ્રીમ કોર્ટે છૂટ આપી, પણ શરતો સાથે
તાજેતરમાં જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને પી.બી. વરાલેની બેન્ચે દિલ્હી-એનસીઆરમાં 7 નવેમ્બર (નાની દિવાળી) અને 8 નવેમ્બર (દિવાળી) ના રોજ પ્રમાણિત ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. કોર્ટનું માનવું છે કે અગાઉ લાદવામાં આવેલો સંપૂર્ણ પ્રતિબંધ ખાસ પરિણામ આપી શક્યો ન હતો, કારણ કે લોકો ગ્રીન ફટાકડાની આડમાં ગેરકાયદેસર રીતે સામાન્ય ફટાકડા વેચતા અને ફોડતા હતા. આથી, સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે નિયંત્રિત છૂટ આપવામાં આવી છે. જોકે, ફટાકડા ફોડવાનો સમય સવારે 6 થી 7 અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધીનો જ નક્કી કરવામાં આવ્યો છે. 9 નવેમ્બરથી ફટાકડા પર ફરીથી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થઈ જશે.
ગ્રીન ફટાકડા શું છે? તે કોણ બનાવે છે?
ગ્રીન ફટાકડા એ ઓછા ઉત્સર્જનવાળા, પર્યાવરણને અનુકૂળ ખાસ પ્રકારના ફટાકડા છે. તેને ‘વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ-રાષ્ટ્રીય પર્યાવરણીય ઇજનેરી સંશોધન સંસ્થા’ (CSIR-NEERI - Council of Scientific and Industrial Research - National Environmental Engineering Research Institute) દ્વારા ખાસ વૈજ્ઞાનિક ફોર્મ્યુલા અને તકનીકોનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યા છે.
પરંપરાગત ફટાકડા અને ગ્રીન ફટાકડા વચ્ચે શું તફાવત છે?
સામાન્ય ફટાકડામાં રાસાયણિક પ્રતિક્રિયા માટે પોટેશિયમ નાઈટ્રેટ, સલ્ફર, બેરિયમ, સીસું (લેડ), આર્સેનિક અને પારો જેવી ઝેરી ધાતુઓ તેમજ વધુ માત્રામાં એલ્યુમિનિયમ વપરાય છે. તેને સળગાવવાથી પીએમ 2.5 અને પીએમ 10 કણો સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ નીકળે છે. તે મોટા શેલ (કાગળ, પૂંઠા કે માટીમાંથી બનેલું બહારનું સખત આવરણ) ધરાવે છે અને બળ્યા પછી પુષ્કળ રાખ અને કચરો છોડે છે.
તેની સરખામણીમાં, ગ્રીન ફટાકડામાં રાખનો ઉપયોગ થતો નથી અને તેના શેલ નાના હોય છે. તેમાં બેરિયમ કે અન્ય કોઈ જ ઝેરી ભારે ધાતુઓ હોતી નથી. પ્રદૂષણ ઘટાડવા માટે તેમાં ઝિઓલાઇટ અને આયર્ન ઓક્સાઇડ ઉમેરવામાં આવે છે, જે ધૂળ અને ધુમાડાને દબાવી દે છે. આ કઈ રીતે થાય છે?
- ઝિઓલાઇટ (Zeolite) દ્વારા ધૂળનું નિયંત્રણ: ઝિઓલાઇટ એક છિદ્રાળુ (porous) ખનિજ છે જે પોતાની અંદર ભેજ (પાણીના અણુઓ) સાચવી રાખે છે. જ્યારે ફટાકડો ફૂટે છે અને ગરમી પેદા થાય છે ત્યારે ઝિઓલાઇટમાંથી આ ભેજ વરાળ બનીને બહાર આવે છે. આ વરાળ ફટાકડાના વિસ્ફોટમાંથી નીકળતી ઝીણી ધૂળ અને પ્રદૂષિત કણો (PM 2.5 અને PM 10) ને પોતાની સાથે ચોંટાડી દે છે. વરાળના સંપર્કથી આ કણો ભારે થઈ જાય છે અને હવામાં લાંબો સમય તરતા રહેવાને બદલે તરત જ જમીન પર બેસી જાય છે. આ રીતે તે ધૂળને હવામાં ફેલાતી અટકાવે છે.
- આયર્ન ઓક્સાઇડ (Iron Oxide) દ્વારા ધુમાડાનું નિયંત્રણ: આયર્ન ઓક્સાઇડ ફટાકડાની અંદર એક ઉદ્દીપક (Catalyst) તરીકે કામ કરે છે. તે ફટાકડામાં રહેલા દારૂખાનાને વધુ સારી રીતે અને પૂરેપૂરું સળગાવવામાં (Complete Combustion) મદદ કરે છે. જ્યારે કોઈપણ પદાર્થ અધૂરો બળે છે ત્યારે જ કાળો ધુમાડો થાય છે, પરંતુ આયર્ન ઓક્સાઇડ રસાયણોને સંપૂર્ણપણે બાળી નાખતું હોવાથી તેમાંથી નીકળતો ધુમાડો નહિવત્ થઈ જાય છે.
પરિણામે, ઉત્સર્જનમાં 30% સુધીનો ઘટાડો થાય છે. ગ્રીન ફટાકડા ઓછા સમય માટે બળે છે અને તેનો અવાજ પણ સામાન્ય ફટાકડા કરતાં ઘણો ઓછો અને નિયંત્રિત હોય છે. કોર્ટના મતે વિદેશથી ગેરકાયદેસર રીતે દાણચોરી કરીને લવાતા પરંપરાગત ફટાકડા પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.
વેચાણ અને ઉત્પાદન અંગેના કડક નિયમો
સુપ્રીમ કોર્ટે વેપારીઓ અને ઉત્પાદકો માટે કેટલાક આકરા નિયમો બનાવ્યા છે.
- માત્ર CSIR-NEERI અને ‘પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન’ (પેસો - PESO - Petroleum and Explosives Safety Organisation) દ્વારા માન્ય પ્રમાણપત્ર ધરાવતા ઉત્પાદકો જ 2 થી 6 નવેમ્બર દરમિયાન માન્ય ગ્રીન ફટાકડા બનાવી શકશે.
- આ ફટાકડાનું વેચાણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા બજારોમાં માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ જ કરી શકશે.
- ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ફટાકડાના ઓનલાઈન વેચાણ કે ડિલિવરી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ વેબસાઈટ પર કિંમતો દર્શાવી હોય તો પણ ઓનલાઈન ઓર્ડર આપવો ગેરકાયદેસર છે.
- સામાન્ય ફટાકડા સાથે ભેળસેળ ન થાય તે માટે ફટાકડાના બોક્સ સંપૂર્ણપણે સીલબંધ હોવા જોઈએ. 'લારીસ' (સીરીઝ વાળા ફટાકડા) અને બેરિયમ ધરાવતા ફટાકડા પર સખત પ્રતિબંધ છે.
- દિલ્હી-એનસીઆરના ઉત્પાદકો અને વેપારીઓએ ફરજિયાત નાણાકીય સુરક્ષા ડિપોઝિટ જમા કરાવવી પડશે. જો તેઓ નકલી ફટાકડા વેચશે કે નિયમ તોડશે તો આ રકમ જપ્ત થશે અને લાયસન્સ તાત્કાલિક રદ થશે.
ગ્રાહકો માટેના નિયમો, ક્યૂઆર (QR) કોડની ઓળખ
- ગ્રાહકો દિલ્હી-એનસીઆરની બહારથી ફટાકડા ખરીદીને કે આયાત કરીને લાવી શકશે નહીં.
- અસલી ગ્રીન ફટાકડાની ઓળખ માટે દરેક બોક્સ પર ક્યૂઆર કોડ લગાવવો ફરજિયાત કરાયો છે. મોબાઈલથી આ કોડ સ્કેન કરતા જ ઉત્પાદકનું નામ, નીરી નોંધણી, પેસો કે મેજિસ્ટ્રેટનું લાયસન્સ અને ટેસ્ટિંગ સર્ટિફિકેટ જેવી તમામ માહિતી મળી જશે. આ કોડ ટ્રાન્સફર કરી શકાશે નહીં.
નો-ક્રેકર્સ ઝોન, પોલીસ તપાસ
- હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમો, શૈક્ષણિક સંસ્થાઓ અને સાયલન્સ ઝોનની 300 મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ વિસ્તારોને ‘નો-ક્રેકર્સ ઝોન’ જાહેર કરી જમીન પર ખાસ માર્કિંગ કરવામાં આવશે.
- ગેરકાયદે ફટાકડા રોકવા માટે પોલીસ અને વહીવટીતંત્ર નિયમિત નિરીક્ષણ કરશે અને દિલ્હી-એનસીઆરમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરશે.
પર્યાવરણ દેખરેખ અને રિપોર્ટિંગ
- સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) 2 થી 30 નવેમ્બર સુધી રોજેરોજ હવાની ગુણવત્તાના રિપોર્ટ તૈયાર કરશે.
- તુલનાત્મક અભ્યાસ માટે પાણી-રેતીના નમૂના પણ લેશે.
- ખરાબ એર-મોનિટરિંગ સ્ટેશનો તાત્કાલિક રીપેર કરાશે.
- તહેવાર પછી પ્રદૂષણને લીધે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ અને મૃત્યુઆંકનો ડેટા પણ એકઠો કરાશે.
- રાજ્ય સરકારોએ આ તમામ અમલીકરણનો રિપોર્ટ 14 ડિસેમ્બર સુધીમાં સોગંદનામા સ્વરૂપે કોર્ટમાં આપવાનો રહેશે. જો કોઈ અધિકારી આ આદેશનું પાલન નહીં કરાવે તો તેમની સામે પગલાં લેવાશે.




