mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ફટાકડા પર પ્રતિબંધની માગના સંદર્ભમાં ગુજરાત સહિત વધુ ૧૮ રાજ્યોને નોટિસ

રાજસ્થાન, ઓડિશામાં ફટાકડા પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન જારી

આ અગાઉ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ મોકલી જવાબ માગ્યો હતો

Updated: Nov 4th, 2020


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૪ફટાકડા પર પ્રતિબંધની માગના સંદર્ભમાં ગુજરાત સહિત વધુ ૧૮ રાજ્યોને નોટિસ 1 - image

પ્રદૂષણને અંકુશમાં રાખવા અને લોકોને આરોગ્યને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજીઓના સંબધમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ ૧૮ રાજ્યો પાસે જવાબ માગ્યો છે.

એનજીટીના પ્રમુખ ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયલે જણાવ્યું હતું કે તેમણે દિલ્હી. હરિયાણા અને ઉત્તર પ્રદેશને અગાઉ જ નોટીસ મોકલી દીધી હતી. ઓડિશા અને રાજસ્થાન સરકારે ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અંગે નોટિફિકેશન  જારી કરી દીધું છે હોવાથી તેમની પાસેથી જવાબ માગવામાં આવ્યો નથી.

એનજીટીએ આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ચંડીગઢ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, તેલંગણા, ઉત્તરાખંડ અને પશ્રિમ બંગાળ પાસેથી પણ આ સંદર્ભમાં જવાબ માગ્યો છે. 

આ રાજ્યોને નોટિસ મોકલીને પૂછવામાં આવ્યું છે કે પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ફટાકડા પર પ્રતિબંધ કેમ મૂકવામાં ન આવે? ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં જણાવ્યું છે કે તમામ રાજ્યો કે જ્યાં પ્રદૂષણનું સ્તર સંતોષકારક નથી તેઓ રાજસ્થાન અને ઓડિશાની જેમ ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનું વિચારે. 

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે એમા કોઇ શંકા નથી કે તહેવારોની સિઝનમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે અને તેમાંથી નીકળતા ઝેરી રસાયણને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડે છે. 

આ અગાઉ ટ્રિબ્યુનલે સોમવારે પ્રદૂષણ નિયંત્રણ અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ૭ થી ૩૦ નવેમ્બર દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગના સંબધમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ પાસે જવાબ માંગ્યો હતો. આ ઉપરાંત ખંડપીઠે દિલ્હી પોલીસ કમિશનર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકારોને પણ નોટીસ મોકલી જવાબ માંગ્યો હતો.


Gujarat