'મહેમાનોથી હકીકત છુપાવવાની જરૂર નથી' G20 સમિટ માટે ઝુંપડપટ્ટી ઢંકાતા રાહુલે તાક્યું નિશાન
રાહુલ ગાંધીએ કહ્યું - સરકારે રખડતાં પશુ-પ્રાણીઓને કેદ કરી દીધા
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં ઝુંપડપટ્ટીને લીલી ચાદરથી ઢાંકેલી બતાવી
image : Twitter |
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ શનિવારે મોદી સરકાર પર આરોપ મૂક્યો કે તે G20 સમિટ (G20 summit) ને ધ્યાનમાં રાખી ઝુંપડપટ્ટીઓ ઢાંકી કે તોડી પાડી રહી છે. રખડતાં પશુઓ-પ્રાણીઓને કેદ કરી રહી છે. તેમણે કહ્યું કે આપણા મહેમાનોથી ભારતની વાસ્તવિકતાને છુપાવવાની કોઈ જરૂર નથી.
ભારતની હકીકત ન છુપાવશો
પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં ઝુંપડપટ્ટીને લીલી ચાદરથી ઢાંકેલી બતાવી છે. બે દિવસની G20 સમિટમાં દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના દિગ્ગજ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે ભારત સરકાર આપણા ગરીબ લોકો અને પશુઓને છુપાવી રહી છે. આપણા મહેમાનોથી ભારતની હકીકતને છુપાવાની કોઈ જરૂર નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હાલમાં વિદેશ ગયા છે.
જયરામ રમેશે પણ પીએમ મોદી સામે સાધ્યું નિશાન
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ આ મામલે વડાપ્રધાન મોદી સામે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે G20 સમિટનો ઉદ્દેશ્ય વિશ્વના પ્રમુખ અર્થતંત્ર સાથે એક ફળદાયી બેઠક કરવાનો છે જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સમસ્યાઓને એકબીજાના સહયોગથી ઉકેલવાનો છે. રાષ્ટ્રપતિ પુતિન ભલે તેનાથી દૂર રહ્યા હોય પણ પ્રિન્સ પ્રોટેમકિન ઝુંપડપટ્ટીને કાં તો ઢાંકીને રાખી રહ્યા છે કાં તેને ધ્વસ્ત કરી રહ્યા છે. જેનાથી હજારો લોકો બેઘર થયા છે. વડાપ્રધાનની છબિને બચાવવા માટે રખડતાં પશુઓને નિર્દયતાપૂર્વક પકડી લેવાયા અને તેમની સાથે ગેરવર્તણૂક કરાઈ.