IndiGo Crisis: ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી સંકટમાં ફસાઈ છે. જેના કારણે દરરોજ સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી રહી છે. ભારતના તમામ ઍરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે આખરે ઇન્ડિગો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે.
ઇન્ડિગોની 5 ટકા ફ્લાઇટ્સ પર કાપ
DGCAએ ઇન્ડિગો એરલાઇનની પાંચ ટકા ફ્લાઇટ્સ પર કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. ઇન્ડિગો હાલ દેશભરમાં એક દિવસમાં 2200 ફ્લાઇટ્સ ચલાવે છે. હવે તેમાં 110નો ઘટાડો કરાશે. સૂત્રો અનુસાર કઈ ફ્લાઇટ્સ ઓછી કરવામાં આવશે તેની યાદી હજુ તૈયાર કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર ઇન્ડિગોની જે ફ્લાઇટ્સ પર કાપ મૂકાશે તે સ્લોટ હવે અન્ય એરલાઇન કંપનીને આપવામાં આવશે.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી કામ કરી રહી છે. સ્થિતિની સમીક્ષા માટે સોમવારે ઉચ્ચ અધિકારીઓની બેઠક કરવામાં આવી. સરકારે હવાઈ મુસાફરોને થતી સમસ્યા જાણવા અધિકારીઓને ઍરપોર્ટ પર જઈ સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે.
સરકારનો દાવો છે કે પહેલી ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધીમાં 7 લાખ 30 હજાર ટિકિટ માટે 745 કરોડ રુપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે. સાથે સાથે ઇન્ડિગોએ 9 હજારમાંથી 6 હજાર બેગ મુસાફરોને પરત પહોંચાડી દીધી છે.
DGCAની નોટિસનો જવાબ
બીજી તરફ DGCAએ ઇન્ડિગોને શો કોઝ નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં ઇન્ડિગોએ ટેકનિકલ ખામી, શિયાળાના કારણે સમયમાં બદલાવ, ખરાબ વાતાવરણ, વધુ ભીડ અને ક્રૂને લઈને નવા નિયમોનો હવાલો આપ્યો છે.
શેર માર્કેટમાં 'ક્રેશ લેન્ડિંગ'
શેર માર્કેટમાં પણ ઇન્ડિગોને નુકસાન થઈ રહ્યું છે. શેર માર્કેટમાં છેલ્લા સાત દિવસમાં ઇન્ડિગોના શેર 17 ટકા તૂટ્યા છે. જેથી કંપનીની માર્કેટ વેલ્યુ 4.3 અબજ ડૉલર ઘટી છે.


