India

ગેરકાયદે જુગાર, સટ્ટાબાજી રમાડતી ૩૦૦ વેબસાઇટ-એપ્સ બ્લોક

By GS TEAM
20 Mar 20261 min read
ગેરકાયદે જુગાર, સટ્ટાબાજી રમાડતી ૩૦૦ વેબસાઇટ-એપ્સ બ્લોક


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૦

ગેરકાયદે જુગાર અને સટ્ટાબાજી રમાડતી વેબસાઇટો સામે મોટી કાર્યવાહી કરતા  સરકારે આવી ૩૦૦ વેબસાઇટ અને એપ્સ બ્લોક કરી દીધી છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.

બ્લોક કરવામાં આવેલ વેબસાઇટો અને એપ્સ ઓનલાઇન સ્પોર્ટ્સ સટ્ટાબાજી પ્લેટફોર્મથી સંબધિત છે. ઓનલાઇન કેસીનો સ્લોટ, રુલેટ અને લાઇવ ડીલર ટેબલની સુવિધા આપે છે. સટ્ટાબાજી એક્સચેન્જ જે પી-ટુ-પી સટ્ટાબાજી માર્કેટપ્લેસની જેમ કાર્ય કરે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સટ્ટા/મટકા જુગાર નેટવર્ક્સ અને રિયલ મની કાર્ડ અને કેસિનો ગેમ એપ્લિકેશન્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગેરકાયદે જુગાર અને સટ્ટાબાજીવાળી વેબસાઇટો સામે કડક કાર્યવાહીનાં ભાગરૃપે સરકારે આવી ૩૦૦ વેબસાઇટો અને એપ્લિકેશન બ્લોક કરી દીધી છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર અત્યાર સુધી આવી કુલ ૮૪૦૦ વેબસાઇટ બ્લોક કરવામાં આવી છે. ૮૪૦૦માંથી ૪૯૦૦ વેબસાઇટો ઓનલાઇન ગેમિંગ એક્ટ પાસ થયા પછી બ્લોક કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે વારંવાર જણાવ્યું છે કે તે દેશમાં એક સુરક્ષિત, જવાબદાર ઓનલાઇન ગેમિંગ ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ જ સંદર્ભમાં સરકારે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ એક્ટ, ૨૦૨૫ અમલમાં મૂક્યો છે. તેનો હેતુ ઇ-સ્પોર્ટ્સ અને ઓનલાઇન સોશિયલ ગેમ્સમાં સંશોધનને વેગ આપવા અને ઓનલાઇન પૈસાવાળી ગેમ્સ પર રોક લગાવવાનો છે.