Get The App

પરમાણુ પાવર પ્લાન્ટના 'બફર ઝોન'માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત?

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
પરમાણુ પાવર પ્લાન્ટના 'બફર ઝોન'માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? 1 - image

India Nuclear Plant Buffer Zone Reduction: ભારત સરકારે દેશની ઉર્જા સુરક્ષા અને પરમાણુ ક્ષમતા વધારવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવે પરમાણુ ઉર્જા પ્લાન્ટ્સની આસપાસનો પ્રતિબંધિત વિસ્તાર એટલે કે બફર ઝોન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે પ્લાન્ટની નજીક રહેણાંક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે વધુ જમીન ઉપલબ્ધ થશે.

શું છે નવો નિયમ?

અત્યાર સુધીના નિયમો મુજબ, તમામ પરમાણુ રિએક્ટર્સની ચારે બાજુ ઓછામાં ઓછો 1 કિલોમીટરનો બફર ઝોન રાખવો ફરજિયાત હતો, જ્યાં કોઈ પણ પ્રકારના રહેણાંક કે આર્થિક પ્રવૃત્તિ થઈ શકતી નહોતી. પરંતુ હવે નાના રિએક્ટર્સ માટે બફર ઝોન ઘટાડીને માત્ર 500 મીટર કરવામાં આવ્યો છે. મોટા રિએક્ટર્સ માટે આ અંતર હવે 700 મીટર રહેશે.આ પ્રસ્તાવને પરમાણુ ઉર્જા નિયામક બોર્ડ અને પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.

આ નિર્ણય પાછળના મુખ્ય કારણો

સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યત્વે જમીનની અછત દૂર કરવા અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા માટે લીધો છે. નવા નિયમોથી મોટા રિએક્ટર્સ માટે જમીનની જરૂરિયાત અડધી અને નાના મોડ્યુલર રિએક્ટર્સ માટે બે-તૃતીયાંશ જેટલી ઘટી જશે. હવે એક જ જગ્યાએ અગાઉ કરતા બે થી ત્રણ ગણી વધુ ક્ષમતા સ્થાપિત કરી શકાશે. દાખલા તરીકે, 10 રિએક્ટર્સ ધરાવતો કોમ્પ્લેક્સ હવે 700 હેક્ટરથી ઓછી જમીનમાં બની શકશે, જે પહેલા 1000 હેક્ટરથી વધુ જમીન રોકતો હતો. ઔદ્યોગિક વિસ્તારોમાં કેપ્ટિવ ઉપયોગ (પોતાના વપરાશ) માટે નાના રિએક્ટર્સ લગાવવા હવે વધુ સરળ બનશે.

આ પણ વાંચો : SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર

સુરક્ષા અને વૈશ્વિક ધોરણો

સરકારનો તર્ક છે કે, આધુનિક અને અત્યંત સુરક્ષિત રિએક્ટર ટેકનોલોજીના કારણે આ અંતર ઘટાડવું શક્ય બન્યું છે. અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ આવી કોઈ ચોક્કસ નિશ્ચિત અંતરની મર્યાદા હોતી નથી. ભારતીય પ્લાન્ટ્સની આસપાસ રેડિયેશનનું સ્તર કુદરતી વાતાવરણ કરતા પણ ઘણું ઓછું જોવા મળ્યું છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ પોઝિટિવ પાસું છે.

2047 સુધીનો મોટો લક્ષ્યાંક

ભારતનો લક્ષ્યાંક વર્ષ 2047 સુધીમાં પરમાણુ ઉર્જા ક્ષમતાને હાલના 8 ગીગાવોટથી વધારીને 100 ગીગાવોટ કરવાનો છે. ગયા વર્ષે જ પરમાણુ ક્ષેત્રને ખાનગી અને વિદેશી કંપનીઓ માટે ખોલ્યા બાદ આ એક મોટું કદમ માનવામાં આવે છે. જોકે, નિષ્ણાતો માને છે કે જમીન સંપાદનમાં લાગતો 4-5 વર્ષનો સમય અને કડક સાઇટિંગ નિયમો હજુ પણ નવા પ્લાન્ટ્સ માટે પડકારરૂપ બની શકે છે.