શક્તિકાંતા દાસ 2024 સુધી આરબીઆઇ ગવર્નર રહેશે
સરકારે દાસને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપ્યું
૧૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ નિમણૂક પામેલા દાસ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી આરબીઆઇ ગવર્નર તરીકે ચાલુ રહેશે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંતા દાસને વધુ ત્રણ વર્ષ માટે આરબીઆઇના ગવર્નર પદે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે શક્તિકાંતા દાસની આરબીઆઇના ગવર્નર તરીકેની ટર્મ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઉર્જિત પટેલે આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામું આપી દેતા ૧૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ શક્તિકાંતા દાસને આરબીઆઇના ૨૫મા ગવર્નર બનાવવામાં આવ્યા હતાં.
૨૮ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ જારી થયેલા સત્તાવાર આર્ડર મુજબ સરકારે ૧૦ ડિસેમ્બર, ૨૦૨૧થી વધુ ત્રણ વર્ષ માટે શક્તિકાંતા દાસની આરબીઆઇના ગવર્નર તરીકે નિમણૂક કરી છે.
આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી એપોઇન્મેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જ તમિલનાડુ કેડરના ૧૯૮૦ની બેન્ચના નિવૃત્ત આઇએએસ અધિકારી શક્તિકાંતા દાસ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી આરબીઆઇન ગવર્નર પદે ચાલુ રહેશે.
ભાજપશાસનમાં એક્સટેન્શન મેળવનાર શક્તિકાંતા દાસ પ્રથમ આરબીઆઇ ગવર્નર છે. ઉલ્લેખનીય છે કે દાસ ૨૦૧૫ થી ૨૦૧૭ દરમિયાન આર્થિક બાબતોના સચિવ હતાં.