ખેડૂત નથી એવાને મળ્યો PM Kisanનો લાભ, સરકારે વસૂલાત શરૂ કરી
- બુંદેલખંડના બાંદા ખાતેથી 2,105 ખેડૂતો આ યોજના માટે ગેરલાયક ઠેરવાયા હતા
નવી દિલ્હી, તા. 20 મે 2022, શુક્રવાર
ખેડૂતોની આર્થિક સ્થિતિ અને તેમનું જીવન સ્તર ઉંચુ આવે તેવા હેતુસર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. દર 4 મહિને 2-2 હજાર રૂપિયાના હપ્તા દ્વારા આ રકમ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના 10 હપ્તા ટ્રાન્સફર થઈ ચુક્યા છે અને 11મા હપ્તાની રાહ જોવાઈ રહી છે. ત્યારે આ યોજનામાં થઈ રહેલી અનેક ગોલમાલ સામે આવી છે. જાણવા મળ્યા મુજબ અનેક એવા લોકોએ આ યોજનાનો લાભ લઈ લીધો છે જે તેના માટે પાત્ર નહોતા. હવે સરકાર આવા લોકો પાસેથી પૈસા પાછા લઈ રહી છે. હાલ ઉત્તર પ્રદેશના બાંદા ખાતેથી આ પ્રકારની ગોલમાલની ઘટનાઓ સામે આવી છે પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ આ પ્રકારની ગોલમાલ સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે.
બાંદા ખાતેથી સામે આવી ગોલમાલ
ઉત્તર પ્રદેશના બાંદા ખાતેથી આ અંગેનો કેસ સામે આવ્યો છે. હકીકતે PM કિસાન યોજનાનો લાભ લેવા માટે અનેક એવા લોકો ખેડૂત બની ગયા જે આ યોજના માટે પાત્ર નહોતા. ભારત સરકાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી એટલે બુંદેલખંડના બાંદા ખાતેથી 2,105 ખેડૂતો ગેરલાયક ઠેરવાયા હતા. આ એવા ખેડૂતો છે જે ઈનકમ ટેક્સ ભરે છે અને આ યોજના માટે નક્કી કરવામાં આવેલી શરતો અનુસાર બિલકુલ પાત્ર નથી. હવે આ 2,105 ખેડૂતોને કૃષિ વિભાગને પૈસા પાછા મોકલવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે. તે પૈકીના 73 ખેડૂતોએ સરકારને આશરે 6 લાખ રૂપિયા પરત કરી દીધા છે.
ગેરલાયક લાભાર્થીઓને પૈસા પરત કરવા આદેશ
કુલ 2 લાખ 62 હજાર જેટલા ખેડૂતો પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. સરકારે તપાસ હાથ ધર્યા બાદ બાંદાના 2,105 ખેડૂતોને ગેરલાયક ઠેરવીને કૃષિ વિભાગ બાંદાને તેમની યાદી મોકલી આપી હતી અને PM કિસાન સમ્માન નિધિના પૈસા પાછા મોકલવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી.
રિકવરીના ડરથી ખેડૂતોએ પૂરી રકમ પરત આપવાનું શરૂ કરી દીધું છે. સરકાર દ્વારા પૈસા પરત મેળવવા માટે આવા ખેડૂતોનો ખાતા નંબર પણ આપવામાં આવ્યો છે. પૈસા જમા કરાવ્યા બાદ કૃષિ વિભાગ બાંદામાં તેની રીસિપ્ટ જમા કરાવવાની રહેશે. તેના આધાર પર જ સરકારને રિકવરીની માહિતી મોકલવામાં આવશે.