Get The App

ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'શેરચેટ' 1 અબજ ડૉલરમાં ખરીદવા ગૂગલની તૈયારી

- ગુજરાતી સહિત 15 ભાષામાં એપ ઉપલબ્ધ છે

- 2015માં શરૂ થયેલા શેરચેટના 16 કરોડ મન્થલી એક્ટિવ યુઝર્સ

Updated: Nov 24th, 2020

GS TEAM


Google News
Google News
ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'શેરચેટ' 1 અબજ ડૉલરમાં ખરીદવા ગૂગલની તૈયારી 1 - image


બેંગાલુરૂ, તા. 24 નવેમ્બર, 2020, મંગળવાર

ભારતીય સોશિયલ મીડિયા એપ્લિકેશન શેરચેટ ખરીદવા માટે ગૂગલે તૈયારી દાખવી છે. ગૂગલ આ એપ માટે 1.03 અબજ ડૉલર ચૂકવવા તૈયાર થયું છે. અલબત્ત, હજુ ખરીદ-વેચાણની વાટાઘાટો ચાલે છે. પરંતુ આગામી દિવસોમાં ડિલ ફાઈનલ થાય એવી શક્યતા છે. જાન્યુઆરી 2015માં લૉન્ચ થયેલા શેરચેટના 16 કરોડ જેટલા મન્થલી એક્ટિવ યુઝર્સ છે.

ભારતની મોહલ્લા ટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આ એપ તૈયાર કરી છે. એ કંપની અંકુશ સચદેવા, ભાનુ પ્રતાપ સિંહ અને ફરીદ અહેસાને મળીને સ્થાપી હતી. શેરચેટ વીડિયો, જોક્સ, ગીત અને અન્ય સામગ્રી શેર કરવાની સુવિધા આપે છે. ગૂગલ ભારતીય ભાષાઓમાં વિસ્તરણ કરવા માંગે છે, માટે આવી સ્વદેશી અને સફળ એપ્લિકેશનમાં રોકાણ કરે એમાં કોઈ નવાઈ નથી.

ગૂગલ અને શેરચેટના અધિકારીઓ વચ્ચે પ્રાથમિક કરારો પણ થઈ ચૂક્યા છે. શેરચેટ ગુજરાતી સહિત 15 ભાષામાં ઉપલબ્ધ છે. એટલે અંગ્રેજી ન જાણતા વર્ગમાં એ લોકપ્રિય પણ છે. બેંગાલુરૂ સ્થિત હેડક્વાર્ટરથી શેરચેટનું સંચાલન થાય છે અને તેમાં લગભગ 400 કર્મચારીઓ છે. આ એપ્લિકેશન પ્લેસ્ટોર અને એપ સ્ટોર બન્નેમાં ઉપલબ્ધ છે. ટિકટોક પર પ્રતિબંધ પછી શેરચેટ દ્વારા શેરચેટ મોજ નામે પણ વીડિયો એપ લૉન્ચ કરાઈ હતી.

Tags :