ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર આનંદી જોશીને આજનું ડૂડલ સમર્પિત
- આનંદીનો જન્મ 31 માર્ચ 1865માં મહારાષ્ટ્રમાં થયો
- અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પણ પ્રથમ ભારતીય મહિલા
નવી દિલ્હી, તા. 31 માર્ચ 2018 શનિવાર
આનંદી ગોપાલ જોશી પ્રથમ મહિલા ડૉક્ટર તરીકે ઓળખાયા. ગુગલે આજે તેમના જન્મદિવસે ડૂડલ બનાવીને યાદ કર્યા છે.
તેમનો જન્મ 31 માર્ચ 1865માં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના 9 વર્ષની ઉંમરમાં લગ્ન થયા હતા. Anandi Gopal Joshiનું જીવન પ્રેરણાથી ભરેલુ રહ્યું. તે ભારતના પહેલા મહિલા ડૉક્ટર બન્યા જેમણે અમેરિકાથી ક્વોલિફાઈ કર્યું. અમેરિકાની ધરતી પર પગ મૂકનાર આનંદી જોશી પ્રથમ ભારતીય મહિલા પણ હતા.
આનંદી ગોપાલ જોશીનો જન્મ મહારાષ્ટ્રના થાણા જિલ્લાના કલ્યાણમાં થયો હતો. તેમનું નામ યમુના રાખવામાં આવ્યુ હતુ. 9 વર્ષની ઉંમરમાં આનંદીના લગ્ન વિધુર ગોપાલરાવ જોશી સાથે કરવામાં આવ્યા. જે આનંદી કરતા 20 વર્ષ મોટા હતા, પરંતુ લગ્ન બાદ તેમનું નામ બદલીને આનંદી કરી દેવાયુ. 14 વર્ષની ઉંમરમાં માતૃત્વ સુખથી વંચિત રહ્યા અને સ્વાસ્થ્ય સેવાઓના અભાવે તેમના દિકરાનો જીવ ગયો. આ ઘટનાએ તેમના જીવન પર મોટી અસર છોડી.
ગોપાલરાવે આનંદીને ભણવા માટે પ્રેરણા આપી. તે ભણવા બાબતે ઘણા કડક હતા. ગોપાલરાવ આનંદીના શિક્ષણને લઈને એટલા કડક હતા કે એકવાર જ્યારે આનંદી રસોડામાં મદદ કરાવી રહ્યા હતા તો તેમણે આ રીતે સમય વેડફવાના કારણે ગુસ્સો કર્યો અને આનંદીને લાકડીથી માર માર્યો.
આનંદી અભ્યાસ કરતા રહ્યા અને 1886માં તેમને અમેરિકાના પેનસિલ્વેનિયા મેડીકલ કોલેજમાંથી એમડીની ડિગ્રી પણ મળી ગઈ. પરંતુ નિયતીને બીજુ જ કંઈક મંજૂર હતુ અને સમગ્ર દુનિયામાં ભારતીય મહિલાઓનું માથુ ગર્વથી ઉપર કરનાર આનંદીએ 22 વર્ષના થવાના એક મહિના પહેલા જ દુનિયામાંથી વિદાય લીધી. દૂરદર્શન પર 'આનંદી ગોપાલ' નામની સીરિયલ આવી ચૂકી છે. જેમાં તેમના સમગ્ર જીવનને દર્શાવાયુ છે. આ સિવાય મરાઠી અને હિંદીમાં કેટલીય શોર્ટ ફિલ્મો બની છે.