Good Bye 2022 : 50 કરોડની લાંચ, એર ઈન્ડિયા અને ચીનની ઘૂસણખોરી... આ 3 ઘટનાએ મચાવ્ચો હતો ખળભળાટ
Image - Wikipedia |
પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી અને અર્પિતાનું કૌભાંડ : રૂ.૫૦ કરોડની રોકડ અને પાંચ કિલો સોનુ મળી આવ્યું
પશ્ચિમ બંગાળના તત્કાલીન શિક્ષણ મંત્રી પાર્થા ચેટર્જીએ તૃણમૂલ કોંગ્રેસની ગ્લેમરસ પોસ્ટર લેડી અભિનેત્રી તેમજ મોડેલ અર્પિતા મુખર્જીનો સાથ લઈને રાજ્યમાં સરકારી શાળાઓમા ઘણા વર્ષોથી ખાલી પડેલી શિક્ષકો અને બિન શિક્ષક સ્ટાફ માટેની સામૂહિક ભરતી માટે રૂ.૫૦ કરોડથી વધુ રકમ લાંચ પેટે મેળવ્યા હતા. ખાનગી શાળાઓને પણ તેઓ જ દબાણપૂર્વક સ્ટાફ લેવા ફરજ પાડતાં હતા. ઇ ડી.એ બાતમીના આધારે અર્પિતાના બે ઘેર બે વખત દરોડા પાડયા ત્યારે ઓફિસિયલ ચોંકી ગયા હતા કેમ કે રૂ. ૫૦ કરોડથી વધુ રકમ રૂ.૫૦૦ અને રૂ.૨૦૦૦ની નોટ સાથે રોકડા મળી આવ્યા હતા. ઇ. ડી.એ ૧૦ ટ્રક ભરીને આ રકમ લઈ જવી પડી હતી. તેને ગણાતા જ કેટલાક દિવસો લાગ્યા હતા. આ ઉપરાંત પાંચ કિલો સોનુ તેમજ ૨૦ જેટલા ફોન પણ હાથ લાગ્યા. બંને ઇ. ડી.ની કસ્ટડીમાં છે.
એર ઇન્ડિયાની 'ઘરવાપસી': ફરી ટાટાને હસ્તક
ભારતની સૌથી પ્રતિષ્ઠિત એરલાઈન 'એર ઇન્ડિયા' ૬૯ વર્ષ સુધી સરકાર હસ્તક હતી હવે તે ટાટા ગુ્રપની માલિકીની થઇ ગઈ છે. જોગાનુજોગ એર ઇન્ડિયા ટાટાની માલિકીની જ હતી પણ ૧૯૫૩માં તેને સરકારે તેની પાસે લઇ લીધી હતી હવે ઇતિહાસે જાણે ફરી એક વર્તુળ પુરૂ કર્યું હોય તેમ તે ફરી ટાટા પાસે આવી ગઈ છે. ૧૯૭૭ સુધી જે આરડી ટાટા જ એર ઇન્ડિયાના ચેરમેન રહ્યા હતા. એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઈન્સ ૨૦૦૭થી ખોટ ખાતા હતા. ટાટાએ અંદાજે રૂ. ૧૮૦૦૦ કરોડમાં એર ઇન્ડિયા ખરીદ્યું છે. એર ઇન્ડિયાનું જગવિખ્યાત પ્રતિક 'મહારાજા' જારી જ રાખવામાં આવશે તેમ મનાય છે.
ચીનની અવળચંડાઇ અને ઘુસણખોરીના પ્રયત્નો જારી : તવાંગમાં વાતાવરણ તંગ બન્યું
૨૦૨૦માં ગલવાન પછી હવે આ વર્ષે ચીને અરુણાચલ પ્રદેશની તવાંગ સરહદે તેમના સૈનિકોનો નિરીક્ષણ પોસ્ટ ઊભી કરવાના બદઇરાદા સાથે જમાવડો કર્યો હતો. ચીન પાકિસ્તાને જે દગાખોરી કારગીલ પર કરી હતી તેવું તવાંગના ખાસ્સી ઊંચાઈએ આવેલ વિસ્તારમાં કરવા માંગે છે.ભારતીય સૈનિકોની નજરમાં ચીનની અવળચંડાઇ આવી ગઈ હતી અને ચારસો જેટલા ચીનના સૈનિકો જોડે રીતસરની ઝપાઝપી બાદ ભારતે ચીનના સૈનિકોને પરત ખદેડયા હતા.ચીનના સૈનિકોને ભારતે લાઠીઓ ફટકારી ભગાડયા હતા. ભારતે હવે ચીન સાથેની સરહદો પર ટેન્ક, મિસાઈલ અને ૨૪ કલાકનો પહેરો તો લગાવ્યો જ છે પણ હવાઈ દળ પણ ફાઇટર વિમાનો ઉડાડતા રહીને ચીન પર્વતો પર કઈં દબાણ નથી કરી રહ્યું ને તે બાજનજર રાખે છે. હવે આવતા મહિનાથી તો આ વિસ્તાર લગભગ બરફ આચ્છાદિત થઈ જશે ત્યારે કુદરતી રીતે અઘરું પડે તેથી ચીન આ સીઝનનો છેલ્લો ખંધો પ્રયત્ન કરતું હતું. વિરોધ પક્ષ એવો આક્ષેપ કરે છે કે ચીન તેના ઇરાદામાં સફળ થાય છે પણ કેન્દ્ર સરકાર દેશને ગેરમાર્ગે દોરે છે.