જાણીતા ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધવાની ગેરકાયદેસર શિકાર કરવા બદલ ધરપકડ
રંધવાની એસયુવી કાર પણ જપ્ત
ઉત્તર પ્રદેશના સંરક્ષિત દુધવા ટાઇગર રિઝર્વમાં શિકાર કરનાર રંધવા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં
(પીટીઆઇ) બેહરિચ, તા. ૨૬
જાણીતા ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધવાની ગેરકાયદેસર શિકાર કરવા બદલ ધરપકડ કરી લેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના સંરક્ષિત દુધવા ટાઇગર રિઝર્વમાં શિકાર કરવા બદલ ધરપકડ કરાયેલા રંધવાને આજે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
ફિલ્ડ અધિકારી રમેશ પાંડેના જણાવ્યા અનુસાર રંધવાની પાસેથી ટેલિસ્કોપવાળી .૨૨ બોર રાઇફલ, ૮૦ જીવતા કારતૂસ, હરણનું ચામડું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન ૪૬ વર્ષીય રંધવા ઓફિશિયલ વર્લ્ડ ગોલ્ફ રેન્કિંગની ટોચના ૧૦૦ ગોલ્ફરની યાદીમાં સામેલ હતો.
રંધવા દુધવા-કતારનિયાઘાટ વન વિસ્તારમાં એક ફાર્મ હાઉસ ધરાવે છે અને છેલ્લા કેટલાક દિવસથી તે ત્યાં જ રહેતો હતો.
અધિકારીના જણાવ્યા અનુસાર રંધવા પાસેથી એચઆર-૨૬ ડીએન-૪૨૯૯ નંબર ધરાવતી એક લગ્ઝરી એસયુવી કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે.
પોલીસે વાઇલ્ડલાઇફ પ્રોટેકશન એક્ટ, ૧૯૭૨ અને ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ, ૧૯૨૭ની વિવિધ કલમો હેઠળ પોલીસે રંધવા સામે ગંભીર આરોપો મૂક્યા છે. આજે તેને મેજિસ્ટ્રેટ શીખા યાદવ સામે રજૂ કરવામાં આવ્યા હતાં. મેજિસ્ટ્રેટે તેમન ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.
પાંડેના જણાવ્યા અનુસાર રંધવાની સાથે મહેશ વિરાજદરની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને પણ ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. મજિસ્ટ્રેટે બંનેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. વિરાજદર ઇન્ડિયન નેવીમાં કેપ્ટન રહી ચૂક્યો છે. જો કે નાણાકીય ગેરરીતિ આચરવા બદલ તેને કોર્ટ માર્શલ કરવામાં આવ્યો હતો.
રંધવાએ પોતાની કારકિર્દીમાં ૧૬ પ્રોફેશનલ ટાઇટલ જીત્યા છે. તેમાં આઠ ટાઇટલ એશિયન ટૂરમાં જીત્યા છે.
દિલ્હી સ્થિત આ ગોલ્ફરે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના ૧૩ વર્ષ પછી ૨૦૧૪માં બંનેએ છૂટાછેડા લઇ લીધા હતાં.તેમને ઝોરાવર નામનો પુત્ર છે.