For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોના-ચાંદીને 'કોરોના ગ્રહણ' : સોદા મુલતવી : શેરબજાર તૂટયું

- સોનું 42 હજારથી તૂટીને 38,000, ચાંદી રૂ.3000 તૂટી, શેરબજારમાં 2300 પોઇન્ટનું ગાબડું

- સોનામાં રૂા. 1,000નો કડાકો : ચાંદીમાં રૂા. 3000નો કડાકો બોલાતાં 40,000ની અંદર ઉતરી

Updated: Mar 16th, 2020

Article Content Image

અમદાવાદના વેપારીઓ નિરાશ થતા કામકાજ બંધ કરી દીધું  ક્રૂડ, કોમોડિટી માર્કેટ પછી મેટલ માર્કેટમાં પણ વૈશ્વિક કડાકો

વૈશ્વિક બજારોમાં નુકસાનીના પેમેન્ટ માટે સોનામાં વ્યાપક વેચવાલીથી અફડાતફડીનો માહોલ

અમદાવાદ, તા.16 માર્ચ, 2020, સોમવાર

વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ ઝડપથી પ્રસરવા સાથે મહામારી પુરવાર થવાની સાથોસાથ વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ પ્રબળ બનતાં સાવચેતીના ભાગરૂપે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની સાથે બોન્ડ બાઇંગ વધારીને અર્થતંત્રને પ્રોત્સાહન આપવા સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કર્યાના અહેવાલો પાછળ વૈશ્વિક બજારમાં મહામારી પ્રબળ થવાની ગણતરીએ કિંમતી ધાતુઓમાં વેચવાલીનું દબાણ આવતા સ્થાનિક બજારોમાં પણ સોના-ચાંદીમાં ગાબડા નોધાયા હતા.

અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં રૂા. 1,000નો અને ચાંદીમાં રૂા. 3000નો પ્રચંડ કડાકો નોંધાતા અમદાવાદ સોના-ચાંદી બજારના વેપારીઓ બપોરના 3 વાગ્યા પછી કામકાજથી અળગા થઈ ગયા હતા. જેના કારણે બજારમાં તરેહતરેહની અટકળો ઉદભવી હતી.

કોરોના વાઇરસ વિશ્વભરમાં પ્રબળ થવા સાથે તેના પગલે મોતના અને અસરગ્રસ્તોના આંકડામાં વધારો થતાં તે મહામારી તરીકે પુરવાર થયો હતો. તેની સાથોસાથ વૈશ્વિક મંદી પણ ઝડપથી આગળ વધવાની ભીતિના પગલે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા તાત્કાલિક પગલાં ભરીને અમેરિકામાં વ્યાજનો દર ઘટાડયો હતો. તો બીજી તરફ અર્થતંત્રને વેગ આપવા સ્ટિમ્યુલસ પેકેજ પણ જાહેર કર્યું હતું.

આ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં ડોલર ઇન્ડેક્સ નીચો ઉતરતાં શરૂઆતમાં સોનાના ભાવ વધ્યા હતા પરંતુ આ વધારો ઉભરા જેવો પુરવાર થતાં કિંમતી ધાતુઓમાં ભાવમાં ફરી એકવાર ઝડપથી પીછેહઠ થઈ હતી.

વિશ્વબજારમાં શેરો ગબડતાં તેની નુકસાની તથા તેના પેમેન્ટની જવાબદારી અદા કરવા વિશ્વબજારમાં ફંડોની સોનામાં પણ વ્યાપક વેચવાલી નિકળી હતી. સોનામાં ગાબડાં ઉપરાંત કોરોનાના કહેર વચ્ચે વિશ્વબજારમાં ચાંદીમાં ઔદ્યોગિક માગ નબળી પડતાં ચાંદીના ભાવમાં પણ મોટા ગાબડાં પડયા હતા. આના પગલે ઘરઆંગણે પણ બજાર તૂટી ગઈ હતી.

મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના જીએસટી વગર 99.50ના રૂ.40875 વાળા ગબડી મોડી સાંજે રૂ.39500  બોલાતા હ તા જ્યારે 99.90ના ભાવ  રૂ.41025 વાળા ગબડી આજે સાંજે રૂ.39650 બોલાતા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ઉંચામાં 1575થી 1576 ડોલર રહ્યા પછી ભાવ ગબડી સાંજે નીચામાં 1454થી 1455 ડોલર થઈ 1477થી 1478 ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના 14.70થી 14.75 ડોલરવાળા ઉંચામાં 15.25થી 15.30 ડોલર થયા પછી ગબડી નીચામાં 12.60થી 12.65 ડોલર થઈ સાંજે ભાવ 12.85થી 12.90 ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના 999ના જીએસટી વગર રૂ.41000 વાળા ગબડી સાંજે રૂ.35000 થઈ રૂ.36000 બોલાતા હતા.

જ્યારે જીએસટી સાથેના ભાવ સોના- ચાંદીમાં આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ 8થી 10 ટકા તૂટયા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ ગબડી આજે બેરલના 30 ડોલરની અંદર ઉતરી 29.35થી 29.40 ડોલર સાંજે રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટી સાંજે 30.35થી 30.40 ડોલર રહ્યા હતા.

કોરોનોના પગલે માગ ઘટતા તથા ક્રૂડ ઉત્પાદક દેશો ઉત્પાદન વધારી રહ્યાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં ક્રૂડતેલમાં કડાકો બોલાઈ ગયો હતો. દરમિયાન, પ્લેટીનમના ભાવ આજે સાંજે 11થી 12 ટકા તૂટી ઔંશના 672થી 673 ડોલર તથા પેલેડીયમના ભાવ 12થી 13 ટકા તૂટી 1577થી 1578 ડોલર રહ્યા હતા.

આ અહેવાલો પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનું (99.9)માં રૂા. 1000ના ગાબડું પડતાં તે 41,500 ઉતરી આવ્યું હતું. તો બીજી તરફ સોનું (99.5) પણ 41,350ની નીચી સપાટીએ ઉતરી આવ્યું હતું. બીજી તરફ ચાંદીમાં રૂા. 3000નો કડાકો બોલતાં તે 40,000ની સપાટી ગુમાવીને 39,000ની સપાટીએ ઉતરી આવી હતી.

અમદાવાદ સોના-ચાંદી બજારમાં બોલેલા પ્રચંડ કડાકાના પગલે આજે બપોરના 3 વાગ્યા પછી તમામ વેપારીઓ પોતાના કામકાજથી અળગા થઈ ગયા હતા. કોઈ પણ વેપારી પોતાનો ફોન રિસિવ કરતા ન હતાં અને જો કરે તોલે-વેચનો સોદો કરવાની બિલકુલ ના પાડી દેતા હતા તેમજ સોદા અંગેના કોઇપણ પ્રકારના કામકાજ માટે આવતીકાલે બપોરે 12-30 પછી ફોન કરવો તેવો જવાબ આપતા હતા.

આમ, સોના-ચાંદીમાં કડાકો બોલતા અમદાવાદના સોના-ચાંદીના વેપારીઓ કામકાજથી દૂર થઈ જતાં બજારમાં તરેહતરેહની અટકળો પણ ઉદ્ભવી હતી. જેના પગલે બજારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. બજારમાં ચાલતી ચર્ચા મુજબ બે-ત્રણ પાર્ટીઓ ચાંદીના સટ્ટાનો મોટાપાયે ડુબી ગયા હોવાની વાતો થતી હતી.

મુંબઈ બુલિયન બજાર ખાતે પણ આજે ચાંદી તૂટીને રૂા. 36,640ની સપાટીએ ઉતરી આવી હતી જ્યારે સોનું (99.9) 39995 અને સોનું (99.5) 39835ની સપાટીએ નરમ રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની સાથોસાથ અન્ય ધાતુઓમાં પણ મોટા કડાકા નોંધાયા હતા જેમાં પ્લેટિનમ 104 ડોલર તૂટીને 661 ડોલર, પેલેડિયમ 266 ડોલર તૂટીને 1432 ડોલર તથા રોડિયમ 2800 ડોલર તૂટીને 7000 ડોલર ઉતરી આવ્યું હતું.

Gujarat