ગુલામ નબી આઝાદનો ઘટસ્ફોટ : રાહુલ અને સોનિયા ગાંધીએ કરેલી ‘ભૂલ’ અંગે કહી મોટી વાત
એક સમયના કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પોતાની આત્મકથા ‘આઝાદ’માં રાહુલ અને સોનિયા વિશે મોટો ઘટસ્ફોટ કર્યો
આઝાદે આત્મકથામાં CM હિમંતા બિસ્વા સરમા સાથે સંબંધિત એક ઘટનાનો ઉલ્લેખ કરી રાહુલ-સોનિયાની ભુલો જણાવી
Image - Facebook |
નવી દિલ્હી, તા.23 માર્ચ-2023, ગુરુવાર
એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ગુલામે પોતાની આત્મકથા ‘આઝાદ’માં આસામના વર્તમાન CM હિમંતા બિસ્વા સરમા સાથે સંબંધિત એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તે સમયે હિમંત કોંગ્રેસમાં હતા. ગુલામ નબી આઝાદે પોતાની આત્મકથામાં દાવો કર્યો છે કે, જ્યારે હિમંતા સાથે જોડાયેલો મામલો રાહુલ ગાંધી સામે આવ્યો ત્યારે રાહુલે તે મામલાને ખૂબ જ ખોટી રીતે મેનેજ કર્યો હતો. જ્યારે રાહુલને કહેવાયું કે, હિમંતા ઘણા ધારાસભ્યોને લઈને બળવો કરી શકે છે, ત્યારે તેમણે કહ્યું, ‘તેમને જવા દો’. ગુલામ નબીએ સોનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આત્મકથામાં વધુ લખ્યું છે કે, આ બધું જાણવા છતાં સોનિયાએ અધ્યક્ષ પદની જવાબદારી ન નિભાવી. ગુલામ નબી આઝાદીની આત્મકથા આવતા મહિને રિલીઝ થશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા હિમંતા
આસામના CM અને ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમા એક સમયે ઉત્તર પૂર્વમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. હિમંતાએ 2001માં પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતી હતી. ત્યારબાદ વર્ષ 2004થી 2014 સુધી તેઓ આસામ સરકારમાં મંત્રી રહ્યા. 2015માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા. ગુલામ નબી આઝાદે જે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, તે 2004થી 2014 દરમિયાન બન્યો હતો. હિમંતા જ્યારે ભાજપમાં ગયા ત્યારે તેમને 2016માં મંત્રી બનાવાયા હતા. સર્બાનંદ સોનોવાલની આગેવાની હેઠળ તેઓ સરકારમાં મંત્રી હતા. ત્યારબાદ 2021માં સર્બાનંદ સોનોવાલને હટાવી હિમંતને મુખ્યમંત્રી બનાવાયા... આજે હિમંતાને સમગ્ર ઉત્તર પૂર્વમાં ભાજપને મજબૂત કરવાની જવાબદારી અપાઈ છે.
ગુલામ નબીએ પોતાની આત્મકથામાં વધુ શું લખ્યું ?
કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે આત્મકથામાં જણાવ્યું કે, એક બેઠક દરમિયાન કોંગ્રેસના ઘણા નેતાઓએ હિમંતા બિસ્વા સરમાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બેઠકમાં કહેવાયું કે, હિમંતાના મામલાને સારી રીતે નિવેડો લાવવો જોઈએ, કારણ કે આસામમાં મોટાભાગના ધારાસભ્યો હિમંતાની સાથે છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ કંઈપણ વિચાર્યું નહીં અને કહી નાખ્યું કે, ‘જવા દો’... ગુલામે આત્મકથામાં કહ્યું કે, તેમને વિશ્વાસ ન થયો કે રાહુલ ગાંધી દૂરનું વિચાર્યા અને પરિણામો જાણ્યા વગર આવું બોલી રહ્યા છે અને તેમના આ જવાબની અસર માત્ર આસામમાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વમાં જોવા મળશે. ગુલામે વધુમાં લખ્યું કે, જ્યારે તેમણે આ મામલો સોનિયા ગાંધીને જણાવ્યો તો તેમણે પણ અધ્યક્ષ પદની જવાબદારી ન નિભાવી... સોનિયાએ મને કહ્યું કે, હિમંતાને હોડી ન ચલાવા અનુરોધ કરે...