Hamid Ansari Controversial Statement: દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે ગઝ્નવી/ગઝની અને લોદી હિન્દુસ્તાની લૂંટારા હતા. તેઓ બહારથી આવ્યા ન હતા. રાજનૈતિક સુવિધાને ધ્યાનમાં રાખીને લોકો કહે છે કે તેમણે આ તોડી નાખ્યું, તે તોડી નાખ્યું, બધા હિન્દુસ્તાની જ હતા. ભાજપે હામીદ અંસારીના નિવેદન પર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, શરજીલ ઈમામ અને ઉમર ખાલીદને યુવા નેતા કહેવાય વાળા હામીદ અંસારીએ હવે સોમનાથ મંદિર તોડનારા ગઝનીના વખાણ કર્યા છે.
કોંગ્રેસ ઇકોસિસ્ટમનો હિસ્સો: ભાજપ
ભાજપે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીના મધ્યકાળના શાસકો મહમૂદ ગઝ્નવી/ગઝની અને લોદી વંશ અંગે આપેલા નિવેદન પર કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ઈતિહાસને નવા રંગ રૂપમાં રજૂ કરી રહ્યું છે. હિન્દુ ધાર્મિક સ્થળો પર થયેલા હુમલાને ઓછા દેખાડવાની કોશિશ કરી રહ્યું છે. ભાજપ પ્રવક્તા શહજાદ પુનાવાલાએ કહ્યું કે, અંસારીની ટિપ્પણી કોઈ અલગ ઘટના નથી, પણ એ પેટર્નનો હિસ્સો છે જેમાં કોંગ્રેસથી જોડાયેલા લોકો વારંવાર ભારતના મધ્યકાળના ઈતિહાસને સાફ સુથરો દેખાડવાનો પ્રયાસ કરે છે. 'શરજીલ ઈમામ અને ઉમર ખાલિદને યુવા નેતાઓ ગણાવ્યા પછી, હવે કોંગ્રેસ ઇકોસિસ્ટમ અને હામિદ અંસારી મહમૂદ ગઝનવી જેવા શાસકનું મહિમા મંડન કરી રહ્યા છે, જેમણે સોમનાથ મંદિરને નષ્ટ અને અપવિત્ર કર્યું.'
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીની વિવાદિત ટિપ્પણી
ભાજપે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ રાજનૈતિક એજન્ડા માટે વારંવાર મધ્યકાળના ઈતિહાસને પોતાની રીતે વ્યાખ્યાઈત કરી રહ્યું છે, કોંગ્રેસ ઈકોસિસ્ટમ ગઝનવીનું ગુણગાન કરે છે. સોમનાથ સ્વાભિમાન પર્વનો વિરોધ કરે છે અને ઔરંગઝેબ જેવા શાસકો દ્વારા હિન્દુઓ પર કરેલા અત્યાચારોને સારી રીતે ચીતરવાની કોશિશ કરે છે. મહત્વનું છે કે દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ટિપ્પણી કરી હતી કે લોદી અને ગઝનવી ભારતીય લૂંટારા હતા, તે બહારથી આવ્યા ન હતા. તેમણે વિદેશી કહેવાય રાજનૈતિક રૂપે સુવિધાજનક હોઈ શકે, પણ તે વિદેશી ન હતા'
શું કહે છે ઈતિહાસ?
ઈતિહાસકારો મુજબ, મહમૂદ ગઝનવી ગઝનવી સામ્રાજ્યનો શાસક હતો, જેનું કેન્દ્ર વર્તમાન અફઘાનિસ્તાનમાં હતું. મહમૂદ ગઝ્નવી (ઈ.સ. 997-1030) ઇતિહાસમાં તેના પ્રચંડ સૈન્ય બળ અને ભારત પરના શ્રેણીબદ્ધ આક્રમણો માટે જાણીતો છે. તેણે ભારતની અઢળક સંપત્તિ લૂંટવાના અને ઇસ્લામનો પ્રચાર કરવાના ઉદ્દેશ્ય સાથે 1000 થી 1027 દરમિયાન કુલ 17 વખત ભારત પર આક્રમણ કર્યું હતું. ગઝ્નવીનું સૌથી ચર્ચિત અને વિનાશક આક્રમણ ઈ.સ. 1025માં ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર પર હતું, જ્યાં તેણે મંદિરની સંપત્તિ લૂંટી નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે લોદી વંશ 1451 થી 1526 સુધી દિલ્હી સલ્તનત પર અંતિમ શાસક રહ્યા. જેની સ્થાપના બહલોલ લોદીએ કહી હતી, તે પણ અફઘાન મૂળના હતા. લોદી શાસકોએ લાંબા સમય સુધી ઉત્તર ભારતમાં મોટા હિસ્સા પર શાસન કર્યું હતું.


