Get The App

65 હજાર કરોડની સબમરીન ખરીદશે ભારત ! અમદાવાદમાં જર્મન ચાન્સલરના સ્વાગત બાદ મોટી ડીલની શક્યતા

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
65 હજાર કરોડની સબમરીન ખરીદશે ભારત ! અમદાવાદમાં જર્મન ચાન્સલરના સ્વાગત બાદ મોટી ડીલની શક્યતા 1 - image

India-Germany Submarine Deal : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આવતા અઠવાડિયે ભારતની પ્રથમવાર સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચવાવાના છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે. બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન 8 બિલિયન ડોલર (અંદાજે 65 હજાર કરોડ રૂપિયા)ના સબમરીનની ડીલ પર રહેશે, જે બંને દેશો વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ભાગીદારી બની શકે છે.

જર્મન-ભારતની કંપનીઓ ભારતીય સેના માટે બનાવશે છ સબમરીન

આ ઐતિહાસિક ડીલ હેઠળ ભારતીય નૌસેના માટે 6 અત્યાધુનિક સબમરીન બનાવવામાં આવશે, જેમાં વધુ 3 સબમરીન બનાવવાનો વિકલ્પ પણ સામેલ હશે. જર્મનીની દિગ્ગજ કંપની TKMS અને ભારતની સરકારી કંપની મઝગાંવ ડૉક (MDL) સંયુક્ત રીતે આ સબમરીનનું નિર્માણ કરશે. આ સબમરીન એર-ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ટેકનોલોજીથી સજ્જ હશે, જેનાથી તેઓ લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકશે. આ પ્રોજેક્ટથી ભારતની દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત બનશે.

આ પણ વાંચો : VIDEO: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી

જર્મની ગ્રીન એમોનિયા ખરીદવા આતુર

સંરક્ષણ ઉપરાંત જર્મની ભારત પાસેથી ગ્રીન એમોનિયા ખરીદવા માટે પણ આતુર છે. જર્મનીની સરકારી કંપની યુનિપર ભારત પાસેથી દર વર્ષે 2.5 લાખ મેટ્રિક ટન ગ્રીન એમોનિયા લેવા માટે ગ્રીનકો ગ્રુપ સાથે અંતિમ સમજૂતી કરી શકે છે. પર્યાવરણને અનુકૂળ એવા આ ઈંધણનો ઉપયોગ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે થાય છે.

અમદાવાદ અને બેંગલુરુની મુલાકાત

ચાન્સેલર મર્ઝ અમદાવાદમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યા બાદ બેંગલુરુની મુલાકાતે જશે. બેંગલુરુમાં તેઓ ભારતના ટેકનોલોજી અને આઈટી ક્ષેત્રની પ્રગતિનું નિરીક્ષણ કરશે અને સંભવિત રોકાણો અંગે ચર્ચા કરશે. જર્મની ભારતને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે જોઈ રહ્યું છે.

આ પણ વાંચો : તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ સાથે મુલાકાત કરી, ભાઈ સાથે કર્યું આવું વર્તન