ગાંધીજી અહિંસા અને એકતામાં માનતા, કોંગ્રેસના શાસનમાં સૌથી વધુ જાતિવાદી હિંસા: મોદી
- દાંડીયાત્રાની ૮૯મી વર્ષગાંઠે વિપક્ષનો મોદી પર ટોણો
- ગાંધીજીના નામનો રાજકીય ઉપયોગ કરનારાઓના ગુરુઓએ જ દાંડી યાત્રાનો વિરોધ કર્યો હતો : અહેમદ પટેલ
નવી દિલ્હી, તા. 12 માર્ચ, 2019, મંગળવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીની દાંડી માર્ચની ૮૯મી જયંતી નિમિત્તે બ્લેગ લખ્યો હતો. જેને પગલે કોંગ્રેસે ટોણો માર્યો હતો. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે મોદી પર આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો રાજકીય ફાયદા માટે ગાંધીજીના નામે બ્લોગ લખવા લાગ્યા છે.
સત્ય અને અહિંસાના માર્ગે ગાંધીજી ચાલ્યા અને ૮૯ વર્ષ પહેલા બાપુએ દાંડી માર્ચ કરી હતી. જોકે છેલ્લા પાંચ વર્ષથી કેટલાક લોકો બાપુના નામે બ્લોગ લખીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકોને હું યાદ અપાવવા માગુ છુ કે જ્યારે આ દાંડી યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આ લોકોના ગુરુઓએ જ તેનો વિરોધ કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ આ પહેલા એક બ્લોગ લખ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મહાત્મા ગાંધીજી જાતીવાદ અને ભેદભાવોમાં નહોતા માનતા જ્યારે કોંગ્રેસ આ સમાજના ભાગલા પાડવામાં રચીપચી રહી છે.
કોંગ્રેસના શાસનમાં જ દેશમાં દલિત વિરોધી અને જાતી આધારીત હિંસાઓ ભડકી છે તેવો દાવો પણ મોદીએ કર્યો હતો. મોદીએ દાવો કર્યો હતો કે ગાંધીજી કોંગ્રેસને સારી રીતે જાણતા હતા અને તેથી જ તેને વિખેરી નાખવા બાપુએ કહ્યું હતું. ખાસ કરીને ૧૯૪૭ પછી. હાલ કેન્દ્રમાં જે સરકાર છે તે ગાંધીજીના રસ્તે કામ કરી રહી છે તેવો દાવો પણ મોદીએ કર્યો હતો.
મોદીના આ બ્લોગને ટાંકીને કોંગ્રેસના નેતા અહેમદ પટેલે વળતો પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે કેટલાક લોકો પોતાના રાજકીય ફાયદા માટે બાપુ પર બ્લોગ લખી રહ્યા છે. સત્ય અને ધર્મનું પાલન કરતા આજથી ૮૯ વર્ષ પહેલા બાપુએ દાંડી યાત્રા કાઢી હતી, જોકે તેનો વિરોધ આજે જે શાસનમાં છે તેમના ગુરુઓએ જ કર્યો હતો અને હવે છેલ્લા પાંચ વર્ષથી બ્લોગ લખીને બાપુના નામે રાજકીય લાભ લેવાના પ્રયાસો થઇ રહ્યા છે.