દિલ્હી એરપોર્ટ નજીક શિવલિંગ જેવા ફૂંવારા લગાવાતા વિવાદ, BJP-AAP ફરી સામ-સામે થયા
રાજધાની દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે G20 સમિટ યોજાવાની છે
આપ અને ભાજપ બંને એકબીજા પર આ પ્રકારના ફુંવારા લગાવવાનો આરોપ મૂકી રહ્યા છે
image : Twitter |
રાજધાની દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે G20 સમિટ યોજાવાની છે. આ અંગેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ ક્રમમાં દિલ્હી એરપોર્ટ પાસે શિવલિંગ આકારનો ફુવારો સ્થાપિત કરવામાં આવ્યો છે. જેના કારણે વિવાદ ઉભો થયો છે. ફુવારો સ્થાપિત કરવાનો હેતુ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિકતાને પ્રદર્શિત કરવાનો હોવાનું કહેવાય છે. જો કે, લોકો જ્ઞાનવાપીનો ઉલ્લેખ કરીને ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.
લોકોએ ઊઠાવ્યા સવાલો
ડેકોરેશન માટે ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભગવાન શિવ જેવો દેખાતો ફુવારો G20 સમિટ માટે કરવામાં આવેલ બ્યુટીફિકેશનનો એક ભાગ છે. દિલ્હી કેન્ટના હનુમાન ચોકમાં શિવલિંગ જેવા ફુવારા સ્થાપિત કરવામાં આવ્યા છે અને રસ્તાની સામેની બાજુએ વધુ છ ફુવારાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મીડિયા પેનલિસ્ટ ચારુ પ્રજ્ઞાએ સોશિયલ મીડિયા પર કહ્યું, "શિવલિંગ શણગાર માટે નથી. ધૌલા કુવાં જ્ઞાનવાપી નથી. આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીના ધૌલા કુવાં વિસ્તારમાં શિવલિંગના આકારના ફુવારા સ્થાપિત કર્યા છે."
AAP-BJP સામસામે
આ વિવાદથી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે નવો રાજકીય મુકાબલો શરૂ થયો છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે આપ અને ભાજપ બંને એકબીજા પર આ પ્રકારના ફુંવારા લગાવવાનો આરોપ મૂકી રહ્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ 27 ઓગસ્ટના રોજ શિવલિંગ આકારના ફુવારાનું નિરીક્ષણ કર્યું હતું. આ તસવીરો તેમણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી રાજકીય દુશ્મનાવટ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. G20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે અને પેઇન્ટિંગથી શણગારવામાં આવ્યું છે. આ સાથે ફુવારા પણ લગાવવામાં આવ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં તેની શાખને લઈને શબ્દોની લડાઈ ચાલી રહી છે.