જવાનોની શહીદી વચ્ચે ભાજપની ઉજવણી પર વિપક્ષોના આકરા પ્રહાર... AAPએ કહ્યું, 'વિશેષ સત્રમાં ઉઠાવીશું મુદ્દો'
કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આરજેડી અને શિવસેના યુબીટીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
વિપક્ષોએ કહ્યું, એકતરફ જવાનો શહીદ થયા ત્યારે ભાજપ હેડક્વાર્ટરે G20ની ઉજવણી કરાઈ
Image - Twitter X |
નવી દિલ્હી, તા.14 સપ્ટેમ્બર-2023, ગુરુવાર
G20 શિખર સંમેલનના સફળ આયોજન બાદ બુધવારે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર પર ઉજવણી થઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ સહિત ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા... ત્યારે ભાજપની ઉજવણી પર વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે... કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કહ્યું કે, આતંકવાદીઓ સામે લડતી વખતે 3 અધિકારીઓ શહિદ થયા, તેના પર દેશને ગર્વ છે, પરંતુ આપણા દેશમાં જ્યારે શહીદોને શ્રદ્ધાંજલી અપાતી હતી, ત્યારે ભારતના વડાપ્રધાન જી20ની સફળતા માટે ઉજવણી કરી રહ્યા હતા.
શહીદોની અર્થી ઉઠી રહી હતી, ત્યારે G20ની ઉજવણી કરાઈ : સંજય સિંહ
સંજય સિંહે કહ્યું કે, સરકાર પર ધિક્કાર છે... એક તરફ શહીદોની અર્થી ઉઠી રહી હતી, ત્યારે મોદી-મોદીના નારા લગાવી જી20ની ઉજવણી કરવામાં આવી... આ વડાપ્રધાનની સંવેદનશીલતા દર્શાવે છે... તમે દેશમાં આતંકવાદને ખતમ કરવાનો દાવો કર્યો હતો, તો પછી આપણા જવાનો ક્યારેક પુલવામામાં તો ક્યારેક અનંતનાગમાં કેવી રીતે શહીદ થયા... આપણા જવાનો પ્રત્યે વડાપ્રધાન સંવેદનશીલ નથી, આવું કેમ છે ? આપ સાંસદે કહ્યું કે, આમ આદમી પાર્ટી આ મુદ્દો દેશની સંસદમાં ઉઠાવશે. આ સમય શહીદોને નમન કરવાનો છે, આ રાષ્ટ્રની સુરક્ષા સાથે રમત છે, અવારનવાર જવાનો શહીદ થઈ રહ્યા છે...
RJD અને શિવસેના UBTએ પણ મોદી સરકાર પર સાંધ્યુ નિશાન
આરજેડીના રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ પણ કહ્યું કે, આપણા જવાનો બુધવારે શહિદ થયા, વડાપ્રધાન અને તેમની પાર્ટી ઉજવણી કરી રહી હતી... તેમને ઉજવણી કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ થોડી રાહ જોઈ સકતા હતા... તેઓ ઉજવણી માટે 1-2 દિવસ ટાળી શકતા હતા.
શિવસેના સાંસદ (ઉદ્ધવ જુથ) પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, અનંતનાગમાં જે થયું તે ખુબ જ નિંદનીય છે... જવાનો શહીદ થયા... તે જ સમયે ભાજપ હેડક્વાર્ટરમાં ઉજવણી મનાવાઈ રહી હતી... થોડા દિવસો પહેલા જ ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ... જ્યારે પાકિસ્તાન આતંકી માહોલ બનાવે છે, ત્યારે તેની સાથે કોઈપણ પ્રકારનો સંવાદ ન થવો જોઈએ... પછી ભલે તે રમતનું મેદાન હોય...
અનંતનાગમાં 3 અધિકારીઓ શહિદ
ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ગઈકાલે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 2 અને જમ્મુ-કાશ્મીર પોલીસના 1 અધિકારી શહિદ થયા.. ડીએસપી હુમાયૂં ભટ, મેજર આશીષ ધોનૈક અને કર્નલ મનપ્રીત સિંહ શહિદ થયા... ગાડોલમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા બાદ સર્વ ઓપરેશન હાથ ધરાયું ત્યારે આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કર્યું... 3 અધિકારીઓની શહીદી પર દેશવાસીઓએ દુઃખની સાથે ગર્વ અનુભવ્યો...