રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી
Kidnapping of 5 Workers From Jharkhand in Niger: ઝારખંડના ગિરિડીહ જિલ્લાના બગોદર ગામના પાંચ યુવકો નોકરી કરવા માટે આફ્રિકાના નાઈજર દેશ ગયા હતા, જ્યાં તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. એક નાઈજર સરકાર વિરોધી જૂથે એકાએક એમના કેમ્પ પર હુમલો કરીને બંદૂકની અણીએ તેમનું અપહરણ કરી લીધું હતું. આ યુવકો ‘કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ’ની ટ્રાન્સમિશન લાઇનમાં કામ કરતા હતા. અપહરણની ઘટના 25 એપ્રિલ, 2025 ના રોજ બની હતી.
કોનું-કોનું અપહરણ કરાયું?
ઝારખંડના જે પાંચ કામદારોનું અપહરણ થયું છે, તેમાં રાજુ મહતો, ચંદ્રિકા મહતો, ફાલજીત મહતો, સંજય મહતો અને ઉત્તમ મહતો સામેલ છે. જો કે, કુલ છ લોકોનું અપહરણ થયું છે, પરંતુ પાંચ ભારતીયોમાં એડમ નામના એક નાઇજર નાગરિકનો પણ સમાવેશ થાય છે.
ફિલ્મી ઢબે અપહરણ કરાયું
અપહરણની ઘટના નજરે જોનારા અન્ય ભારતીય કામદારોનું કહેવું છે કે, ‘એ ઘટના બિલકુલ ફિલ્મોમાં બતાવે છે એવી હતી. 70-80 જેટલી મોટરસાઇકલો પર સવાર અંદાજે 100 જેટલા અપહરણકર્તાની ટોળકીએ અમારી છાવણી (કૅમ્પ) પર હુમલો કર્યો હતો. જીવ બચાવવા માટે અમે કંપનીની બસમાં બેસીને ભાગ્યા તો તેમણે અમારો પીછો કર્યો. બસ ઝડપથી ભગાવવાના ચક્કરમાં અમારી બસ રેતીમાં ફસાઈ ગઈ હતી. અમે બસમાંથી ઊતરીને જે તરફ ભાગી શકાય એ તરફ ભાગ્યા. અમે ગટરમાં ઉતરીને છુપાઈ ગયા અને અમારો જીવ બચાવ્યો. અપહરણકર્તાઓ અંધાધૂંધ ગોળીબાર કરતા હતા.’ કમનસીબે ઉપર જણાવ્યા એ પાંચ ભારતીયો ઝડપાઈ ગયા હતા અને એમને બંદૂક દેખાડીને મોટરસાઈકલ પર બેસાડીને ઉપાડી જવાયા હતા.
કોણ હતા અપહરણકર્તા?
ભારતીય કામદારોનું અપહરણ કરનાર કોણ હતા એ હજુ ચોક્કસપણે કહી શકાય એમ નથી. તેઓ નાઈજર સરકારના વિરોધી જૂથના લડવૈયા હોવાનો અંદાજ છે.
ગુમ પુરુષોના પરિવાર પીડા ભોગવી રહ્યા છે
ભારતીય કામદારોનું અપહરણ કરાયાને દસ દિવસ થઈ ગયા હોવા છતાં તેમનો કોઈ પત્તો નથી લાગ્યો, જેને લીધે કામદારોના ભારતમાં રહેતા પરિજનો અનિચ્છનીય ઘટના બન્યાના ભયમાં જીવી રહ્યા છે. તેઓ સતત ભારતના વિદેશ ખાતાને વિનંતી કરી રહ્યા છે કે તેમના પરિજનોને બચાવીને સુરક્ષિત ભારત પરત લાવવાના નક્કર પ્રયાસ કરવામાં આવે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ કામદારોને મુક્ત કરવામાં મદદ કરવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરને વિનંતી કરી છે. નાઈજર સરકાર કામદારોની શોધ ચલાવી રહી છે.
બચી ગયેલા કામદારોમાં ફફડાટ
અપહરણ કરાયેલા તમામ કામદારો જાન્યુઆરી 2024માં નાઈજર ગયા હતા અને ત્યારથી લઈને આજ સુધી ભારત નથી આવ્યા. બચી ગયેલા ભારતીયોએ પણ ડરના માર્યા નોકરી છોડી દીધી છે અને હવે તેઓ ભારત સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેમને જેમ બને એમ જલ્દી નાઈજરથી ભારત બોલાવી લેવાની વ્યવસ્થા કરવામાં આવે.