ભાગેડુ નિત્યાનંદે રિઝર્વ બેંક ઓફ કૈલાસા શરૂ કરી : વીડિયોથી જાહેરાત
- રેપના કેસમાં પોલીસ-એજન્સીઓ શોધી રહી છે ત્યારે
- ૨૨મી તારીખે ગણેશ ચતુર્થીએ એક દેશની મદદથી બેંકની કરંસી બહાર પાડીસ તેવો દાવો
નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ 2020, બુધવાર
બળાત્કાર સહિતના આરોપી ભાગેડુ બાબા નિત્યાનંદે હવે પોતાની એક બેંક પણ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ બેંકનું નામ તેણે રિઝર્વ બેંક ઓફ કૈલાસા રાખ્યું છે. આ પહેલા તે કૈલાસા નામનો એક દેશ અને તેની અલગથી કેબિનેટ બનાવવાનો દાવો કરી ચુક્યો છે.
રેપ કેસમાં આ બાબાની તપાસ ચાલી રહી છે અને એજન્સીઓ અન્ય દેશોના પણ સંપર્કમાં હોવાના રિપોર્ટ છે. જોકે બીજી તરફ નિત્યાંનદ અજ્ઞાાત સ્થળોએ નવી નવી જાહેરાતો કરી રહ્યો છે. ઇંટરનેટ પર તેનો એક વીડિયો પણ વાઇરલ થયો છે જેમાં બાબા નિત્યાંનદ ખુલ્લેઆમ એવી જાહેરાત કરી રહ્યો છે કે તે ટુંક જ સમયમાં રિઝર્વ બેંક ઓફ કૈલાસા લોંચ કરી રહ્યો છે.
સાથે જ ૨૨મી ઓગસ્ટે તે સત્તાવાર રીતે પોતાની બેંકની કરંસી પણ જાહેર કરશે તેવો દાવો પણ તેણે કર્યો હતો. આ ઢોંગી બાબાએ સાથે એમ પણ કહ્યું હતું કે આ બેંક માટે તેણે એક દેશ સાથે પણ કરારો કર્યા છે. જ્યાંથી તેની બેંકને હોસ્ટ કરવામાં આવશે એટલે કે આ દેશમાંથી જ બેંકનું સંચાલન પણ કરવામાં આવશે. જોકે આ દેશ ક્યો છે તેની કોઇ જ માહિતી બાબાએ નહોતી આપી તેથી તેના આ દાવા પર પણ અનેક શંકાઓ છે. મલયાલમ ભાષાના આ વીડિયોમાં નિત્યાનંદે કહ્યું હતું કે મારી આ બેંકના દરેક કામ કાયદેસરના છે અને કઇ જ ગેરકાયદે નથી.