ભાગેડુ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, ભારત લાવવા તૈયારી શરૂ
અમેરિકાની જેલમાંથી છૂટેલો નેહલ મોદી ફરી જેલમાં ધકેલાયો
નીરવ મોદીના ભાઈ પર પીએનબી કૌભાંડના નાણાં સગેવગે કરવા, પુરાવાનો નાશ કરવા, સાક્ષીઓને ધમકાવવાનો આરોપ
ભાગેડૂ ઉદ્યોગપતિ નીરવ મોદીનો ભાઈ અમેરિકામાં છેતરપિંડીના એક કેસમાં લગભગ ત્રણ વર્ષની સજા પૂરી કર્યા પછી શુક્રવારે જેલની બહાર નીકળ્યો હતો. પરંતુ ભારતીય તપાસ એજન્સીઓની વિનંતીના પગલે સત્તાવાળાઓએ તુરંત તેની ફરી ધરપકડ કરી હતી. અમેરિકન ફરિયાદીઓએ દાખલ કરેલી ફરિયાદ મુજબ નેહલ મોદી વિરુદ્ધ બે મુખ્ય આરોપો મની લોન્ડરિંગ અને ગુનાઈત કાવતરાંના કેસ હેઠળ પ્રત્યાર્પણની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નેહલ મોદી પર તેના ભાઈ નીરવ મોદીની મદદ કરવા માટે કરોડો રૂપિયાની ગેરકાયદે કમાણીને છુપાવવા અને તેને શેલ કંપનીઓ તથા વિદેશી લેવડ-દેવડ મારફત સગેવગે કરવાનો આરોપ છે. રૂ. ૧૪,૦૦૦ કરોડના પીએનબી કૌભાંડના કેસમાં ઈડીની ચાર્જશીટમાં નેહલ મોદીને સહ-આરોપી તરીકે દર્શાવતા વોન્ટેડ જાહેર કરાયો છે. તેના પર પુરાવાનો નાશ કરવાનો, સાક્ષીઓને ધમકાવવાનો પણ આરોપ છે. નેહલ મોદીએ કેટલાક સાક્ષીઓને ડરાવી-ધમકાવી કૈરો મોકલ્યા, જ્યાં તેમના પાસપોર્ટ જપ્ત કરી લીધા અને તેમની પાસે નકલી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા. એક કેસમાં તો નેહલે એક સાક્ષીને બે લાખ રૂપિયાની લાંચ આપીને યુરોપની કોર્ટમાં નકલી જુબાની આપવા કહ્યું હતું.
ઈન્ટરપોલે સીબીઆઈ અને ઈડીની વિનંતીના પગલે વર્ષ ૨૦૨૧માં જ નેહલ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી અને ૨૦૨૨માં પ્રત્યાર્પણની વિનંતી પણ કરી હતી, પરંતુ તે સમયે નેહલ મોદી અમેરિકામાં છેતરપિંડીના એક કેસમાં જેલની સજા ભોગવી રહ્યો હોવાથી તેનું પ્રત્યાર્પણ થઈ શક્યું નહોતું. જોકે, નેહલ મોદીની જેલમાંથી મુક્તિની તારીખ નજીક આવતા સીબીઆઈ એક મહિનાથી અમેરિકન ઓથોરિટીના સંપર્કમાં હતી. બંને દેશોની તપાસ એજન્સીઓના સંકલનના પગલે નેહલ મોદી અમેરિકાની જેલમાંથી છૂટયા બાદ તુરંત જ તેની ફરી ધરપકડ કરી લેવાઈ હતી.
ઈડીને આશા છે કે આગામી દિવસોમાં નેહલ મોદીને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાશે. નેહલ મોદીના પ્રત્યાર્પણ કેસમાં આગામી સુનાવણી ૧૭ જુલાઈએ નિશ્ચિત કરાઈ છે, જેથી સ્ટેટસ કોન્ફરન્સ થશે. આ સમયમાં નેહલ મોદી તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી શકે છે, જેનો અમેરિકન ફરિયાદી પક્ષ વિરોધ કરશે. આ ધરપકડ ભારતની તપાસ એજન્સીઓ માટે મહત્વની રણનીતિક સિદ્ધિ છે.