Indian Leaders Whose Journeys Ended in Tragic Air Crashes | મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા NCP નેતા અજિત પવારનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે સવારે બારામતીમાં લેન્ડ કરતાં સમયે વિમાન ક્રેશ થયું. તેઓ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. ક્રેશ થયા બાદ ચાર્ટર્ડ પ્લેનમાં આગ પણ લાગી હતી.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, બારામતી વિમાન દુર્ઘટનાથી ખૂબ દુ:ખી છું. અજિત પવાર જનતાના નેતા હતા. પાયાના સ્તરે મજબૂત જોડાણ ધરાવતા હતા. મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેનારા મહેનતુ વ્યક્તિ તરીકે તેમનું સન્માન કરવામાં આવતું હતું. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબ તથા પછાત લોકોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. તેમનું અકાળે અવસાન અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત અનેક લોકોના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. અજિત પવારનું અકાળે અવસાન એ એક ન પૂરી શકાય તેવી ખોટ છે. મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. હું તેમના પરિવાર, સમર્થકો અને પ્રશંસકો પ્રત્યે ઊંડી શોક સંવેદના વ્યક્ત કરું છું. મહારાષ્ટ્રના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે, ભારત સરકારે પ્લેન ક્રેશ મામલે તપાસ કરાવવી જોઈએ જેથી દુર્ઘટનાનું કારણ જાણી શકાય.
ભારતમાં અગાઉ પણ વિમાન દુર્ઘટનામાં દિગ્ગજ નેતાઓ તથા જાણીતી હસ્તીઓએ જીવ ગુમાવ્યા છે.
|
નેતાનું નામ |
વર્ષ |
દુર્ઘટનાનું સ્થળ |
|
સંજય ગાંધી |
1980 |
સફદરગંજ એરપોર્ટ, દિલ્હી |
|
માધવરાય સિંધિયા |
2001 |
મૈનપુરી, ઉત્તર પ્રદેશ |
|
GMC બાલયોગી |
2002 |
કૃષ્ણા જિલ્લો, આંધ્રપ્રદેશ |
|
ઓપી જિંદાલ |
2005 |
સહારનપુર, ઉત્તર પ્રદેશ |
|
YS રાજશેખર રેડ્ડી |
2009 |
નલ્લામલા જંગલ, આંધ્રપ્રદેશ |
|
જનરલ બિપિન રાવત |
2021 |
કુન્નુર, તમિલનાડુ |
|
વિજય રૂપાણી |
2025 |
અમદાવાદ, ગુજરાત |
|
અજિત પવાર |
2026 |
બારામતી, મહારાષ્ટ્ર |
ગુજરાતના પૂર્વ CM : વિજય રૂપાણી
ગુજરાતના જ અમદાવાદમાં ગયા વર્ષે જ ભીષણ વિમાન દુર્ઘટના થઈ હતી. 12મી જૂને એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા જેમાંથી માત્ર 1 જ વ્યક્તિ બચી શકી હતી. વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા.
TDP નેતા બાલયોગી
લોકસભાના તત્કાલીન અધ્યક્ષ તથા તેલુગુ દેશમ પાર્ટીના નેતા GMC બાલયોગીએ 3 માર્ચ 2002ના રોજ એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. તેઓ આંધ્ર પ્રદેશ ગોદાવરીથી ભીમાવરમ જઈ રહ્યા હતા તે સમયે કૃષ્ણા જિલ્લા નજીક તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈને તળાવમાં પડ્યું હતું.
ઓપી જિંદાલ અને સુરેન્દ્ર સિંહ
ઉદ્યોગપતિ તથા હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલ અને કૃષિમંત્રી સુરેન્દ્ર સિંહનું 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. તેમનું હેલિકોપ્ટર દિલ્હીથી ચંડીગઢ જઈ રહ્યું હતું તે સમયે સહારનપુરમાં ક્રેશ થયું.
YS રાજશેખર રેડ્ડી
આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી YS રાજશેખર રેડ્ડીનું વર્ષ 2009માં બીજી સપ્ટેમ્બરે હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું.
સંજય ગાંધી
ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ પણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. તેઓ પાયલોટ પણ હતા. સફદરગંજ ઍરપોર્ટ પાસે દિલ્હી ફ્લાઇંગ ક્લબનું વિમાન ઉડાવી રહ્યા હતા તે સમયે અચાનક જ વિમાને નિયંત્રણ ગુમાવ્યું અને 23 જૂન 1980ના રોજ તેમનું નિધન થયું.
માધવરાય સિંધિયા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાય સિંધિયાનું અવસાન 30 સપ્ટેમ્બર, 2001ના રોજ વિમાન દુર્ઘટનામાં થયું હતું. તેઓ કાનપુર જઈ રહ્યા હતા તે સમયે મૈનપુરી પાસે ખરાબ મોસમના કારણે તેમનું વિમાન ક્રેશ થયું હતું.
CDS જનરલ બિપિન રાવત
ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું નિધન પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જ થયું હતું. 8 સપ્ટેમ્બર, 2021ના રોજ સુલુરથી વેલિંગ્ટન જતાં સમયે તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.


