Get The App

આ મહિલાની મુંબઈની ઝુંપડપટ્ટીમાંથી માઈક્રોસોફ્ટ સુધીની પ્રેરક સફર બની વાયરલ

Updated: Jan 28th, 2022

GS TEAM

Google News
Google News
આ મહિલાની મુંબઈની ઝુંપડપટ્ટીમાંથી માઈક્રોસોફ્ટ સુધીની પ્રેરક સફર બની વાયરલ 1 - image


- ઓછા ગુણના કારણે તેને કોમ્પ્યુટર ક્લાસમાં સ્થાન ન મળ્યું અને સીવણનો વર્ગ મળ્યો હતો

નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી, 2022, શુક્રવાર

કોમ્પ્યુટર ખરીદવા માટે પૈસા ન હોવાથી લઈને વિશ્વની અગ્રણી ટેક કંપનીમાં કામ કરવા સુધી, રસ્તા પર સુવાથી લઈને મુંબઈમાં એક હવા-ઉજાસવાળા એપાર્ટમેન્ટમાં રહેવા સુધી શાહીના અત્તરવાલાએ જિંદગીમાં પોતાને મળતા દરેક પડકારોનો સામનો કર્યો હતો. માઈક્રોસોફ્ટમાં પ્રોડક્ટ ડિઝાઈન મેનેજર તરીકે કામ કરતી શાહીના અત્તરવાલાએ ટ્વિટર પર ઝુંપડપટ્ટીમાં ઉછરવાથી લઈને કઈ રીતે તે પોતાની જિંદગીને આ મુકામ પર લાવી તે અંગેના અનુભવો શેર કર્યા હતા. તેની આ પ્રેરક જીવનકથા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

'બેડ બોય બિલિયોનેર્સઃ ઈન્ડિયા' નામની નેટફ્લિક્સ સીરિઝમાં તેણે પોતે જ્યાં મોટી થઈ તે મુંબઈનો ઝુંપડપટ્ટી વિસ્તાર જોયો અને તેની ભૂતકાળની સ્મૃતિઓ તાજી થઈ ગઈ હતી. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, ફોટોમાં જે બધાં ઘર દેખાઈ રહ્યા છે તેમાંથી એક અમારૂં છે. 2015માં હું મારી જિંદગી બનાવવા માટે તેમાંથી એકલી બહાર નીકળી હતી.

એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહીનાએ જણાવ્યું કે, તે બાંદ્રા રેલવે સ્ટેશન પાસે દર્ગા ગલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી હતી. તેના પિતા ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા હતા અને એક ફેરિયા તરીકે અત્તર વેચવાનું કામ કરતા હતા. શાહીનાના કહેવા પ્રમાણે 'ઝુંપડપટ્ટીનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું, તેમાં મેં જીવનની ગંભીર પરિસ્થિતિઓ, લિંગભેદ, જાતીય સતામણીનો સામનો કર્યો પરંતુ એ જીવને નવું શીખવાની અને મારી જાત માટે અલગ જિંદગી ઘડવા માટેની જિજ્ઞાસાને પણ વેગ આપ્યો.'

વધુમાં જણાવ્યું કે, '15 વર્ષની ઉંમરથી મેં મારી આજુબાજુ અનેક સ્ત્રીઓને જોઈ જે લાચાર હતી, કોઈના પર આધારીત હતી, તેમનું અપમાન થતું હતું અને તેમને જે બનવું છે કે, તેમની જે પસંદ છે તે માટે કોઈ જ સ્વતંત્રતા નહોતી ધરાવતી. પરંતુ હું મને જે નસીબમાં મળ્યું હતું તેનો સ્વીકાર કરવા તૈયાર નહોતી.'

શાહીનાએ શાળામાં પહેલી વખત કોમ્પ્યુટર જોયું ત્યારથી તેને કોમ્પ્યુટર માટે આકર્ષણ જાગ્યું હતું. તેણે જણાવ્યું કે, 'હું માનતી હતી કે, કોમ્પ્યુટર તેના સામે બેસનારા દરેક વ્યક્તિને તક આપે છે.' જોકે ઓછા ગુણના કારણે તેને કોમ્પ્યુટર ક્લાસમાં સ્થાન ન મળ્યું અને સીવણનો વર્ગ મળ્યો. જોકે, તે અડગ રહી અને ટેક્નોલોજી ક્ષેત્રે જ કરિયર બનાવવાનું સપનું જોયું. 

શાહીનાએ પોતાના પિતા સમક્ષ ઉધાર લેવા માટે જિદ્દ કરી જેથી તે લોકલ કોમ્પ્યુટર ક્લાસમાં પોતાનું નામ નોંધાવી શકે. પોતાનું કોમ્પ્યુટર ખરીદવા માટે તે અનેક વખત ભૂખી રહી અને ચાલતા ઘરે આવવા લાગી જેથી પૈસા બચાવી શકાય. 

તેણે ડિઝાઈનમાં કરિયર બનાવવા માટે પ્રોગ્રામિંગ છોડી દીધું કારણ કે, ડિઝાઈને તેને એ વાતનો વિશ્વાસ અપાવ્યો હતો કે, અનેક તક અસ્તિત્વમાં છે, વસ્તુઓ બદલાઈ શકે છે અને ટેક્નોલોજી તે પરિવર્તન માટેની ટૂલ સમાન છે. 

ગયા વર્ષે, અનેક વર્ષોના સખત પરિશ્રમ બાદ શાહીના અને તેનો પરિવાર હવા-ઉજાસ અને હરિયાળી ધરાવતા એક સુંદર એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો હતો. ઝુંપડપટ્ટીમાં બાળપણ અને અનેક વખત ભૂખ્યા રહ્યા પછી આ ખરેખર એક ખૂબ મોટું પગલું હતું અને તેની સખત મહેનતનું પરિણામ હતું. 

મારા પિતા એક ફેરિયા હતા અને રસ્તા પર સૂવાથી લઈને વર્તમાન જિંદગી અંગેનું સપનું પણ અમે ભાગ્યે જ જોયું હશે. નસીબ, સખત પરિશ્રમ અને યોગ્યતા માટેની લડાઈનું આ પરિણામ છે. 

શાહીનાએ પોતે એક સમયે જે સ્થિતિમાં હતી તેવી જ પરિસ્થિતિનો સામનો કરી રહેલી યુવાન છોકરીઓને મેસેજ આપ્યો હતો કે, શિક્ષણ મેળવવા માટે સખત મહેનત કરો, યુવાન છોકરીઓ માટે સ્કીલ અને કરિયર ખૂબ મોટા ગેમ ચેન્જર સાબિત થઈ શકશે. 

આ સાથે જ તેણે પરિવાર માટે અનેક વર્ષો સુધી બલિદાન આપવા બદલ પિતા માટે ખાસ લાગણી પણ પ્રગટ કરી હતી. 

Tags :