- નકલી ઇમેલ એકાઉન્ટમાંથી નકલી નિમણૂક પત્રો જારી કરાયા
- ઇડીની પટણા ઓફિસની બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને ઉ. પ્રદેશમાં કુલ 15 સ્થળોએ તપાસ
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરૂવારે ગુજરાત સહિત છ રાજ્યોમાં ૧૫ સ્થળોએ દરોડા પાડયા હતાં. આ દરોડા એક મની લોન્ડરિંગ તપાસ હેઠળ પાડવામાં આવ્યા હતાં. આ મની લોન્ડરિંગ તપાસ સરકારી નોકરીઓ માટે નકલી નિમણૂક પત્રો મોકલવાનાં કૌભાંડ સાથે સંકળાયેલી છે.
આ સંગઠિત જૂથ એજન્સીનાં રડારમાં હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇડીની પટણા ઓફિસ બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આ કૌભાંડ શરૂઆતમાં રેલવેના નામે સપાટી પર આવ્યું હતું. જો કે ઉંડી તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમાં ૪૦થી વધુ અન્ય સરકારી સંગઠન અને વિભાગ સામેલ છે.
જેમાં વન વિભાગ, આરઆરબી (રેલવે ભરતી બોર્ડ), ઇન્ડિયા પોસ્ટ, આવકવેરા વિભાગ, કેટલીક હાઇકોર્ટ, પીડબ્લ્યુડી, બિહાર સરકાર, દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરિટી, રાજસ્થાન સચિવાલય અને અન્ય સામેલ છે.
ઇડીને જાણવા મળ્યું હતું કે જૂથે નકલી ઇમેલ એકાઉન્ટનો ઉપયોગ કરી સરકારી ડોમેનની નકલ કરી નકલી નિમણૂક પત્રો મોકલ્યા હતાં. ઉમેદવારોનું વિશ્વાસ જીતવા માટે જૂથે કેટલાક પીડિતોને બે થી ત્રણ મહિનાનો પગાર પણ ચૂકવ્યો હતો.
જેમને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ), રેલવે ટીટીઇ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) જેવા સંગઠનોમાં નકલી નોકરી આપવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર બિહારના મુઝફ્ફરપુર, મોતિહારી, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, કેરળમાં અર્નાકુલમ, પંડાલામ, અડૂર અને કોદુર, તમિલનાડુમાં ચેન્નાઇ અને ગુજરાતમાં રાજકોટ, ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, પ્રયાગરાજ અને લખનૌમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથ બિહારના અલગ અલગ જિલ્લાઓમાં સક્રિય હતું અને બેકાર યુવાનોને સરકારી નોકરી આપવાની ખાતરી આપી તેમની પાસેથી મોટી રકમ વસુલ કરતું હતું.


