આઝાદી બાદ COVID-19 સૌથી મોટો પડકાર, કોરોના બાદનાં આયોજનો પર કામ કરે સરકાર: રઘુરામ રાજન
નવી દિલ્હી, 5 એપ્રિલ 2020 રવિવાર
કોરોના વાયરસ મહામારીની ભારતની આર્થિક વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પર RBI પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક બ્લોગ લખીને સંભવિત પગલા વિશે મહત્વની માહિતી આપી છે. તેમણે આ આર્ટીકલનું શીર્ષક વર્તમાન સમયમાં ભારત સામે સૌથી મોટો પકડાર રાખ્યુ છે. તેમના આપેલા સૂચનો આર્થિક વ્યવસ્થાની ખરાબ સ્થિતિને સુધારી શકે એવા હેતુસર લખવામાં આવ્યા છે.
આ બ્લોગમાં તેમણે લખ્યુ છે કે અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણની વાત કરુ તો ભારત સામે વસ્તી પછી આ સૌથી મોટો પકડાર આવી પડ્યો છે. ગત અઠવાડિયે આવેલા એક રિપોર્ટ મુજબ કોરોના વાયરસને લીધે ભારતમાં 13.6 કરોડ નોકરીઓ જોખમમાં મુકાઇ છે. તેમના મુજબ 2008-09ની આર્થિક મંદીમાં માંગને ફટકો પડ્યો પરંતુ કર્મચારીઓ કામે જતા હતા, જે પછી કંપનીઓમાં ભારે સુધારો જોવા મળ્યો હતો. આપણી નાણાકીય વ્યવસ્થા મજબૂત હતી અને સરકારી નાણુ પણ સારી સ્થિતિમાં હતું.
તેમણે સરકારને આ મહામારી ખતમ થયા પછીના પ્લાનિંગ માટે આગ્રહ કરતા કહ્યુ કે, જો વાયરસને હરાવી નથી શકતા તો લોકડાઉન પછી પ્લાનિંગ પર કામ કરવું જોઇએ. વધારે પડતા દિવસો માટે દેશવ્યાપી લોકડાઉન મુશ્કેલ છે. અર્થવ્યવસ્થાને રિસ્ટાર્ટ કરવા માટે રાજને સલાહ આપી છે કે વર્કપ્લેસમાં મહત્વનું સ્થાન ધરાવતા યુવા કર્મીઓને હોસ્ટેલમાં રાખી શકાય છે.
આ સિવાય તેમણે ઉત્પાદનનો રિએક્ટિવ કરવા માટેના પ્લાનિંગ પર કામ કરવાની સલાહ પણ આપી હતી. જેથી સપ્લાય ચેન ચાલુ રહે.
ગરીબ અને નોકરીયાતો પર ધ્યાન આપવા મુદ્દે રાજને કહ્યુ કે, ડાયરેક્ટ ટ્રાન્સફર મોટાભાગના લોકો સુધી પહોંચી શકે છે પરંતુ બધા સુધી નહીં પહોંચે. આ માટે સરકારે યોગ્ય વિકલ્પ શોધવાની જરુર છે, નહી તો ઘર ચલાવવા માટે મજૂર અને નોકરીયાત વર્ગ લોકડાઉનને નકારી શકે છે. આ દરમિયાન તેમણે ભારતના આર્થિક નુકસાન પર ચિંતા વ્યક્ત કરી હતી.
MSME (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)ને લઇને તેમણે જણાવ્યુ કે આ ક્ષેત્ર નબળુ પડી ગયુ છે અને તેમની પાસે જરુરી સંસાધનોની અછત જોવા મળી રહી છે. ભારત પાસે મર્યાદિત સંસાધન હોવાથી તેમને ટેકો કરવો મુશ્કેલ બની શકે છે. આ પૈકી કેટલાક ગૃહઉદ્યોગોને ડાયરેક્ટ ટ્રાન્સફરથી સપોર્ટ મળી શકશે.
તેમણે ભારતની નાણાકીય ખાધ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, 'મર્યાદિત નાણાકીય સંસાધનો આપણા માટે ચિંતાનો વિષય છે. જો કે, વર્તમાન પરિસ્થિતિમાં તેના ઉપયોગને સૌથી મહત્વની બાબતો કરતાં અગ્રતા આપવી જોઈએ. ભારત જેવા ગરીબ રાષ્ટ્ર માટે તે વધુ સારું રહેશે. ઉપરાંત, કોવિડ -19 સામે લડવું તે યોગ્ય પગલું હશે. '