Get The App

MBA બતાવીને લગ્ન કરાવ્યા પણ પતિ આઠમું પાસ, કોંગ્રેસ ધારાસભ્યના પરિવાર પર દહેજ માંગવાનો વહુનો આરોપ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
MBA બતાવીને લગ્ન કરાવ્યા પણ પતિ આઠમું પાસ, કોંગ્રેસ ધારાસભ્યના પરિવાર પર દહેજ માંગવાનો વહુનો આરોપ 1 - image


MP MLA Surendra Singh Baghel: મધ્યપ્રદેશના પૂર્વ પર્યટન મંત્રી અને કુક્ષીમાંથી કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ બઘેલ વિરૂદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ નોંધાયો છે. તેમના નાના ભાઈ દેવેન્દ્રસિંહ બઘેલની પત્ની કામ્યા સિંહે ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાવ્યો છે.

એફઆઈઆરમાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ બઘેલ, તેમની પત્ની શિલ્પા સિંહ બઘેલ, સાસુ ચંદ્રકુમારી સિંહ, બહેન શીતલ સિંહ અને પતિ દેવેન્દ્રસિંહ બઘેલના નામ સામેલ છે. કામ્યા સિંહે સાસરી પક્ષ પર દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી છે. પીડિતાનું કહેવું છે કે, દહેજમાં લકઝરી કાર ન મળતાં તેની સાથે મારપીટ થઈ રહી છે. તેમજ લગ્ન પહેલાં ખોટી માહિતી આપી હોવાનો પણ આરોપ મૂક્યો છે.

ખોટું બોલી કર્યા હતાં લગ્નઃ પોલીસ

પીડિતા કામ્યાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં તેને કહેવામાં આવ્યું હતું કે, પતિ દેવેન્દ્ર સિંહ બઘેલ એમબીએ પાસ છે. પરંતુ લગ્ન બાદ જાણ થઈ કે, તે આઠ ધોરણ સુધી જ ભણ્યા છે. કામ્યાના દહેજ ઉત્પીડન અને છેતરપિંડીના આરોપસર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 351 (2), 3(5) અને દહેજ પ્રતિબંધક કાયદાની કલમ 3 અને 4 હેઠળ ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા પોલીસ સ્ટેશનના ઈનચાર્જ અંજના દુબેએ જણાવ્યું હતું કે, કામ્યા રતિબંધ વિસ્તારની રહેવાસી છે. તેણે દાવો કર્યો છે કે, લગ્ન સમયે તેને દેવેન્દ્ર એમબીએ ડિગ્રી ધરાવતો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં ખબર પડી કે, તે ધોરણ આઠ સુધી જ ભણ્યો છે. દેવેન્દ્ર અવારનવાર તેની સાથે મારપીટ કરતો હતો. દેવેન્દ્ર વિવિધ પ્રકારના બિઝનેસ કરી રહ્યો છે. પરંતુ તે દારૂ પીતો હોવાથી કામ પર પણ જતો ન હતો. 

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ બઘેલ કમલનાથ સરકાર દરમિયાન મધ્યપ્રદેશમાં પર્યટન મંત્રી રહી ચૂક્યા છે. હવે ધારાસભ્ય અને તેમના પરિવાર વિરુદ્ધ FIR નોંધાયા બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.

MBA બતાવીને લગ્ન કરાવ્યા પણ પતિ આઠમું પાસ, કોંગ્રેસ ધારાસભ્યના પરિવાર પર દહેજ માંગવાનો વહુનો આરોપ 2 - image

Tags :