Get The App

પૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝનું લાંબી માંદગી બાદ દિલ્હીમાં અવસાન

- ફર્નાન્ડીઝ સ્વપનદ્રષ્ટતા હતા: મોદી

- સંરક્ષણ મંત્રી હતા ત્યારે કારગિલ યુધ્ધમાં જીત મેળવી હતી

Updated: Jan 29th, 2019

GS TEAM

Google News
Google News
પૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝનું  લાંબી માંદગી બાદ દિલ્હીમાં અવસાન 1 - image


૧૯૭૭માં કોકાકોલા પર પ્રતિબંધ લાદ્યો હતો

તેમના કાર્યકાળમાં જ ભારતે પોખરણમાં અણું પરિક્ષણ કર્યું હતું

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૯ જાન્યુઆરી, 2019, મંગળવાર

બે વિરોધાભાસી વિચારધારા ધરાવતી સરકારોમાં કેબિનેટ મંત્રી સહિત રાજકારણમાં અનેક સાહસો કરનાર અને આજીવન સમાજવાદી રહેલા જ્યોર્જ ફર્નાન્ડીઝનું આજે લાંબી માંદગી પછી અવસાન થયું હતું.

તેઓ સંરક્ષણ મંત્રી હતા ત્યારે પાક.સામેના ૧૯૯૯ના કારગિલ યુધ્ધમાં ભારતે જીત મેળવી હતી અને ૧૯૭૭માં તેમણે કોકાકોલા પર પ્રતિબંધ લાદ્યો હતો. તેઓ ૮૮ વર્ષના હતા.તેઓ પોતાની પાછળ પત્ની અને એક પુત્રને મૂકતા ગયા હતા.

તેમના આજીવન સાથી જયા જેટલીએ કહ્યું હતું કે તેમને ફ્લુની બીમાર લાગુ થઇ હતી. તેઓ પોતાના ઘરે જ ગુજરી ગયા હતા.કર્ણાટકના મેંગલોરમાં ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા જ્યોર્જે મુંબઇમાં ૧૯૭૪માં રેલવેની હડતાલ પાડતાં પહેલી વાર તેઓ  ફાયર બ્રાન્ડ કામદાર નેતા તરીકે બહાર આવ્યા હતા. ૧૯૮૯માં વી.પી.સિંહના નેતૃત્વ હેઠળની  રાષ્ટ્રીય મોરચાની સરકારમાં  તેઓ રેલવે મંત્રી બન્યા હતા.

આર.એસ.એસના કટ્ટર વિરોધી હોવા છતાં તેઓ ભાજપના નેતા વાજપેયીના નેતૃત્વ હેઠળની ૧૯૯૮ અને ૧૯૯૯ની એનડીએ સરકારમાં સંરક્ષણ મંત્રી તરીકે જોડાયા હતા. તેમના  સંરક્ષણ મંત્રીપદના સમયગાળા દરમિયાન ભારતે પાક. સામે કારગિલ યુધ્ધમાં જીત મેળવી હતી અને ૧૯૯૮માં પોખરણમાં અણું પરિક્ષણ કર્યું હતું.

૧૯૭૭માં ઇન્દિરા ગાંધીને હરાવનાર જનતા પાર્ટીની સરકારમાં પણ તેઓ ઉદ્યોગ મંત્રી હતા. તેમના અવસાન પર વડા પ્રધાન મોદીએ તેમને શ્રધ્ધાંજલી આપતા કહ્યું હતું કે તેઓ એક મહાન સંરક્ષણ મંત્રી અને સ્વપનદ્રષ્ટતા હતા.

ટુંક સમયમાંજ ઉદ્યોગો સાથે તેમનો વિવાદ થયો હતો અને કોકાકોલા તેમજ આઇબીએમ સામે વિદેશી હુંડિયામણ નિયમ ભંગના કેસ કર્યા હતા. પરિણામે બંને કંપનીઓને ભારત ખાતેના તેમના પ્લાન્ટ બંધ કરવા પડયા હતા અને તેઓ ભારત છોડી જતી રહી હતી. ૧૯૬૭માં લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ મુંબઇની બેઠક પરથી ચૂંટણી લડી તેમણે મોટા માથા મનાતા એસ.કે.પાટિલને હરાવ્યા હતા. પરંતુ ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી હારી ગયા પછી તેઓ જાહેર જીવનમાં દેખાયા ન હતા.

જ્યોર્જ ફર્નાન્ડીઝને અગ્નીદાહ અપાશે તેમના અસ્થીને દફનાવવામાં આવશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૯ જાન્યુઆરી, 2019, મંગળવાર

મંગળવારે સવારે ગુજરી ગયેલા પૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝના અંતિમ સંસ્કાર લોધી સ્મશાનમાં કરાશે અને તેમના અસ્થીને દફનાવી દેવામાં આવશે, એમ તેમના નજીકના સાથી જયા જેટલીએ આજે કહ્યું હતું.સમતા પાર્ટીના પૂર્વ પ્રમુખ જેટલીએ કહ્યું હતું કે જ્યોર્જની અંતિમ ઇચ્છા હતી કે તેમના અગ્નીસંસ્કાર કરવામાં આવે, પરંતુ પાછળથી દફનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.'હું લોધી સ્મશાનમાં હાજર રહીશ. અમે બે બાબતો સાથે કરીશું જે તેમને ગમતી હતી. પહેંલા અગ્નીસંસ્કાર કરીશું પછી તેમના અસ્થીને દફનાવી દઇશું. આમ પહેલાં અગ્નીસંસ્કાર કરાશે અને ત્યાર પછી અસ્થીને દફનાવી દઇશું, એમ તેમની બંને ઇચ્છાઓ પૂર્ણ કરાશે'એમ જયા જેટલીએ કહ્યું હતું.

Tags :