પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ સરકારી બંગલો ખાલી કરે : સુપ્રીમનું અલ્ટિમેટમ

નિવૃતિના 8 મહિના બાદ પણ બંગલો ખાલી નથી કર્યો
દિવ્યાંગ પુત્રીઓને વિશેષ કાળજીની જરૂર હોવાથી બંગલો ખાલી કરવામાં મોડું થયાની જસ્ટિસ ચંદ્રચૂડની સ્પષ્ટતા
આ પહેલા સુપ્રીમ કોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કેન્દ્ર સરકારના હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સિટિંગ મુખ્ય ન્યાયાધીશને દિલ્હીના કૃષ્ણ મેનન માર્ગ પર ફાળવાયેલા બંગલા નંબર પાંચને ખાલી કરાવવામાં આવે અને તેને કોર્ટના હાઉસિંગ પૂલને સોંપવામાં આવે. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પાસેથી કોઇ પણ પ્રકારનું મોડુ કર્યા વગર આ બંગલો પરત લેવામાં આવે. નિયમ મુજબ મુખ્ય ન્યાયાધીશ નિવૃત થયા બાદ પણ છ મહિના સુધી આ બંગલામાં રહી શકે છે. જસ્ટિસ ચંદ્રચૂડ નવેમ્બર ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૫ સુધી દેશના ૫૦માં મુખ્ય ન્યાયાધીશ રહ્યા. તેઓ નિવૃત થયા બાદ આઠ મહિનાથી આ સરકારી બંગલામાં નિવાસ કરે છે.
તેમની નિવૃતિ બાદ જસ્ટિસ સંજિવ ખન્ના મુખ્ય ન્યાયાધીશ રહ્યા પરંતુ તેમણે સરકારી બંગલામાં જવાનું ટાળ્યું હતું, હાલ સીજેઆઇના પદ પર જસ્ટિસ બી. આર. ગવઇ છે તેમણે પણ અગાઉ ન્યાયાધીશ તરીકે ફાળવાયેલા બંગલામાં જ રહેવાનું પસંદ કર્યું છે. અગાઉ પૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડે જસ્ટિસ ખન્નાને વિનંતી કરી હતી કે તેમને અન્ય કોઇ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી ૩૦ એપ્રીલ ૨૦૨૫ સુધી આ બંગલામાં રહેવાની છૂટ આપવામાં આવે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંત્રાલયને આ બંગલો ખાલી કરાવવા પત્ર લખાયો છે ત્યારે જસ્ટિસ ચંદ્રચૂડે તેને ખાલી કરવામાં કેમ મોડુ થયું તે અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે મારે બે પુત્રીઓ છે કે જેમની વિશેષ કાળજી રાખવી પડે તેમ છે. જેમની એઇમ્સમાં સારવાર ચાલી રહી છે. અમે તમામ પ્રકારનું પેકિંગ કરી લીધુ છે. નોંધનીય છે કે જસ્ટિસ ચંદ્રચૂડે બે દિવ્યાંગ બાળકીઓ માહી અને પ્રિયંકાને દત્તક લીધી છે. આ બન્નેની ઉંમર હાલ ૧૬ અને ૨૦ વર્ષની છે. બન્ને દિકરીઓ વ્હીલચેર પર જ હરીફરી શકે છે.








