કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ સીએમ માધવ સિંહ સોલંકીનું નિધન
- ચચ્ચાર વખત ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા હતા : કેન્દ્રમાં પણ પ્રધાનપદ ભોગવ્યું હતું
અમદાવાદ તા.9 જાન્યુઆરી 2021 શનિવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન માધવસિંહ સોલંકીનું અવસાન થયું હતું. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાનપદે ચચ્ચાર વખત બિરાજ્યા હતા.
આજે શનિવારે સવારે 94 વર્ષના સોલંકીએ અંતિમ શ્વાસ લીધા હતા. 1927ના જુલાઇની 30મીએ જન્મેલા માધવસિંહ આણંદ નજીકના બોરસદમાં ક્ષત્રિય પરિવાર જન્મ્યા હતા. વ્યવસાયે તેઓ વકીલ હતા. 1977માં તેઓ પહેલીવાર અલ્પસમય માટે ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા. ગુજરાતમાં ખામ થિયરીના જનક ગણાતા માધવસિંહે 1980માં પહેલીવાર ખામ સિદ્ધાંત વહેતો મૂક્યો. એને કારણે પટેલ બ્રાહ્મણ, વાણિયા જેવી જાતિઓ તેમની વિરોધી થઇ ગઇ હતી.
1981માં તેમણે સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે અનામત લાગુ પાડ્યું. એને કારણે જબરો ઉહાપોહ થયો અને હિંસક તોફાનો પણ થયાં. કેટલાક યુવાનો માર્યા ગયા નવનિર્માણ આંદોલન પછી 1985માં તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું પરંતુ એ પછી ફરી એકવાર ખામ થિયરીના જોરે વધુ બહુમતી સાથે ચૂંટાઇ આવ્યા.
કેન્દ્રમાં પી વી નરસિંહરાવની સરકાર હતી ત્યારે બોફર્સ કૌભાંડમાં નરસિંહરાવના સૂચનથી માધવસિંહે સ્વીડનને એક પત્ર મોકલ્યો. એ પત્ર તેમની રાજકીય કારકિર્દીનો અસ્ત લાવનારો બની રહ્યો. એ પછી સોલંકી એકલા પડી ગયા અને તેમની રાજકીય કારકિર્દી ખતમ થઇ ગઇ. માધવસિંહ બહુશ્રુત વાચક ગણાતા હતા. વિશ્વ સાહિત્યનો તેમને ઊંડો અભ્યાસ હતો અને સાહિત્યકારો સાથે તેમને સારો એવો ઘરોબો હતો.
પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, ભરત સોલંકીને આશ્વાસન આપ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માધવ સિંહ સોલંકીને અંજલિ આપતાં કહ્યું હતું કેં ગુજરાતના રાજકારણમાં સોલંકીએ ખૂબ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. તેમના જવાથી એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો હતો. વડા પ્રધાને સોલંકીના પુત્ર ભરત સોલંકી સાથે ફોન પર વાત કરીને ભરતને આશ્વાસન આપ્યું હતું. ભરત સોલંકી પણ રાજકારણમાં સક્રિય છે.
માધવસિંહ સોલંકીના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક
સીએમ રૂપાણીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ રૂપાણીએ કર્યો છે. આ સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળ ની બેઠક ગાંધીનગર ખાતે મળશે અને આ બેઠક માં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.