'પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન', વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહાર
Operation Sindoor: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 મેના રોજ ભારત સરકારના વિવિધ વિભાગના સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જો પાકિસ્તાન ભારતની ફરી ઉશ્કેરણી કરશે, તો તેને જડબાતોડ જવાબ અપાશે.
આતંકીઓના જનાજામાં પાક.ના સૈન્ય અધિકારીઓ કેમ?
આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કેટલીક તસવીરો જાહેર કરીને પાકિસ્તાનની પોલ ખોલી નાંખી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના નીલમ-ઝેલમ બંધ પરિયોજનાને નિશાન બનાવ્યા હોવાના આરોપ જૂઠા છે, પાયાવિહોણા છે. 7 મેના રોજ ભારતના હુમલામાં પાકિસ્તાનના સામાન્ય નાગરિકો મર્યા હોવાની વાત પણ ખોટી છે. અમારા નિશાન પર ફક્ત સૈન્ય ઠેકાણા જ હતા. એ તમામ સ્થળો આતંકવાદની ફેક્ટરીઓ હતી, જ્યાં આતંકીઓને રાજકીય સન્માન મળે છે. પાકિસ્તાન દાવો કરે છે કે, ભારતના હુમલામાં ફક્ત સામાન્ય નાગરિકો મર્યા હતા, તો આ તસવીર જુઓ. જેમાં લશ્કર એ તૈયબાનો કમાન્ડર અબ્દુલ રઉફ દેખાય છે, જે આતંકીઓના જનાજામાં સામેલ થયો હતો. આ જનાજામાં પાકિસ્તાન સૈન્યના અધિકારીઓ શું કરે છે?
આતંકીઓના કોફિન પર પાકિસ્તાનના ધ્વજ લપેટાયા
આ વિશે વધુ વાત કરતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારતની એર સ્ટ્રાઇકના મૃતકો સામાન્ય નાગરિકો હતા એ દાવો વિચિત્ર છે કારણ કે, તેમના કોફિન પર પાકિસ્તાનનો ધ્વજ લપેટાયેલો હતો. વળી, ત્યાં સેનાના અધિકારીઓ પણ હાજર હતા. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં શીખ સમાજ પર પણ હુમલો કર્યો. પૂંછમાં એક ગુરુદ્વારા પર હુમલો કરાયો અને શીખોને નિશાન બનાવાયા, જેમાં ત્રણ લોકો માર્યા ગયા. પૂંછમાં પણ 7 મેના રોજ 16 નાગરિકો માર્યા ગયા, અનેક ઘાયલ થયા.
દરેક ધર્મના લોકોએ પાકિસ્તાનની ટીકા કરી છે
વિદેશ સચિવ વિક્રમ સચિવે કહ્યું કે, ભારતની કાર્યવાહી ફક્ત આતંકવાદના ગઢ ગણાતી ઇમારતો પૂરતી મર્યાદિત હતી. અમે સૈન્ય ઠેકાણા કે નાગરિકો પર હુમલો કર્યો જ નથી. પાકિસ્તાનનું કહેવું છે કે, અમારા ત્યાં કોઈ આતંકવાદી નથી, જે વાત સંપૂર્ણ ખોટી છે. પાકિસ્તાન આજે પણ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. ઓસામા બિન લાદેન પણ ત્યાં જ મળ્યો હતો, જેને તેઓ શહીદ કહેતા હતા. ભારતે 26/11 અને પઠાણકોટ જેવા હુમલામાં તપાસમાં પણ સાથ આપ્યો, પરંતુ પાકિસ્તાને કશું જ ના કર્યું. મુંબઈ હુમલામાં પૂરતાં પુરાવા આપ્યા પછીયે તેમણે કાર્યવાહી ના કરી. પાકિસ્તાનની દરેક ધર્મના લોકોએ ટીકા કરી છે.
પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓને બચાવે છે: વિક્રમ મિસ્ત્રી
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, બોર્ડર પાર આપણા વિરુદ્ધ ઘણી બધી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલીક વાતોને ધ્યાનમાં રાખવા લાયક છે, જેમ કે તણાવ વધારવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ કાલે તેનો જવાબ આપ્યો છે. 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ સંગઠન છે, જેણે પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. અમે આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ને તમામ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. TRF અંગે અપડેટ સતત અપાઈ રહી છે. જ્યારે UNSCના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાતો આવી તો માત્ર પાકિસ્તાને તેનો વિરોધ કર્યો અને નામ હટાવ્યું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી સંગઠનને ઢાલ અને સમર્થન આપી રહ્યું છે.
અમે પાકિસ્તાનના હુમલા નિષ્ફળ કર્યાઃ કર્નલ સોફિયા કુરેશી
વિદેશ સચિવ વિક્રમ મિસરીના સંબોધન પહેલાં કર્નલ સોફિયા કુરેશીએ પણ ઓપેરેશન સિંદૂર વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાનના કોઈ સૈન્ય ઠેકાણાને નિશાન નથી બનાવ્યા. ભારતે ચેતવણી આપી જ હતી કે, ભારતના સૈન્ય ઠેકાણા પર કોઈ હુમલા કરાશે, તો યોગ્ય જવાબ અપાશે. આમ છતાં, પાકિસ્તાને ભારતના 15 સૈન્ય ઠેકાણા પર હુમલાનો પ્રયાસ કર્યો, જેને અમે નિષ્ફળ બનાવી દીધો. 7-8 મેના રોજ પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, લુધિયાણા, આદમપુર, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત અનેક સૈન્ય ઠેકાણે હુમલા કર્યા, પરંતુ અમે ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમથી નિષ્ફળ બનાવી દીધા.
નોંધનીય છે કે, ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. ભારતીય સુરક્ષાદળોએ સુદર્શન ચક્ર S400 વડે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલા નિષ્ક્રિય કરી દીધા હતા. આ હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં લાહોર સહિતના સ્થળે ડ્રોન હુમલા કર્યા હતા. આ કાર્યવાહીમાં લાહોરનું એર ડિફેન્સ યુનિટ પણ તબાહ થઈ ગયું હતું. ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં ભારત સરકારે અગાઉ ભારપૂર્વક કહ્યું હતું કે, અમે પાકિસ્તાનના કોઈ સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો નથી. જો પાકિસ્તાન આવું કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું.