ખાલિસ્તાની નકશો, ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી
Gunther Fehlinger : ભારત સરકારે કડક કાર્યવાહી કરીને ઑસ્ટ્રિયાના અર્થશાસ્ત્રી અને રાજકારણી ગુન્થર ફેહલિંગરનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લૉક કરી દીધું છે. આ નિર્ણય ફેહલિંગરની એક વિવાદાસ્પદ પોસ્ટ બાદ લેવામાં આવ્યો હતો, જેમાં ફેહલિંગરે ભારતને તોડીને ExIndia બનાવવાની વાત કરી હતી. ફેહલિંગરે આ પોસ્ટ ખાલિસ્તાન સમર્થકો સાથેની વાતચીત દરમિયાન કરી હતી, જેમાં તેમણે ખાલિસ્તાનનો નકશો પણ શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની નજીક છે.
કેન્દ્ર સરકારે એકાઉન્ટ બ્લૉક કરવાનો આદેશ આપ્યો
ગૃહ મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ફેહલિંગર (Gunther Fehlinger)ની પોસ્ટને ગંભીરતાથી લીધી છે અને તેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકાઉન્ટ એક્સ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યું છે. ઑસ્ટ્રિયન કમિટી ફોર NATO મેમ્બરશીપના અધ્યક્ષ ફેહલિંગર વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. જ્યારે વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ઓસ્ટ્રિયા સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવશે? જેના જવાબમાં વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તેમને આટલું બધું મહત્ત્વ કેમ આપવું જોઈએ? તેઓ માત્ર એક પાગલ વ્યક્તિ છે અને કોઈ સત્તાવાર પદ પર નથી.
આ પણ વાંચો : શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી મુસાફરો ભરેલી બસ, 9 મહિલા સહિત 15ના મોત
ફેહલિંગરની પોસ્ટથી ભારતીય યુઝર્સો નારાજ
ફેહલિંગરની પોસ્ટ બાદ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ તેમના નિવેદનને ભારતની સંપ્રભુતા અને એકતા પર સીધો હુમલો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રિયાના રાજદ્વારી સંબંધોને 2024માં 75 વર્ષ પૂરા થયા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2024માં 41 વર્ષ બાદ ઑસ્ટ્રિયાનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો.