Get The App

SBIના ગ્રાહકોને ફટકો : એક જ મહિનામાં બીજી વખત FDના વ્યાજ દર ઘટયા

- 7 દિવસથી 45 દિવસ સુધીની FD માટે હવે 4 ટકા વ્યાજ મળશે

Updated: Mar 11th, 2020

GS TEAM

Google News
Google News
SBIના ગ્રાહકોને ફટકો : એક જ મહિનામાં બીજી વખત FDના વ્યાજ દર ઘટયા 1 - image

અમદાવાદ, તા. 11 માર્ચ, 2020, બુધવાર

એસબીઆઇમાં ફિક્સ ડિપોઝિટ (એફડી) મુકનારાઓને નારાજ કરે એવા સમાચાર છે. દેશની આ સહુથી મોટી બેન્કે એક મહિનામાં બીજી વાર ફિક્સ્ડ ડિપોઝિટ માટેના વ્યાજ-દર ઘટાડી દીધા છે. નવા દર 10 માર્ચથી અમલી ગણાશે.

આ અગાઉ એસબીઆઇએ ગઇ તા.10 ફેબુ્રઆરીએ એફડી માટેના વ્યાજ - દર ઘટાડયા હતા. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એફડી માટેનો વ્યાજ-દર ઘટાડતાં અન્ય બેન્કો પણ એફડી માટેના વ્યાજ-દર ઘટાડી શકે છે. એસબીઆઇના તાજા નિર્ણય અનુસાર, બેન્કમાં સાતથી 45 દિવસો માટે મૂકાયેલી એફડી પર ચાર ટકા વ્યાજ મળશે, જે અગાઉ 4.5 ટકા હતું.

એજ પ્રમાણે એક વર્ષથી લઇને પાંચ વર્ષથી ઓછા સમયગાળા માટે 5.9 ટકા વ્યાજ મળશે, જે પહેલાં 6 ટકા હતું. પાંચ વર્ષથી 10 વર્ષ સુધીના સમયગાળાની એફ ડી પર હવે 5.9 વ્યાજ ચૂકવાશે, જે અગાઉ 6 ટકા મળતું હતું.

એસબીઆઇ એ જણાવ્યું કે સિનિયર સિટિઝન ડિપોઝિટને સામાન્ય ડિપોઝિટરોની તુલનામાં 50 બેઝિસ પોઇન્ટ એટલે કે અર્ધો ટકા વ્યાજ વધુ મળશે. આ બધા દર બે કરોડ રૂપિયાની રીટેલ ફિકસ્ડ ડિપોઝિટને લાગુ પડશે.

એસબીઆઇએ જણાવ્યું છે કે આ વ્યાજ-દર ફ્રેશ ડિપોઝિટને અને પાકનારી ડિપોઝિટને રીન્યુઅલ કરાવાશે ત્યારે એને પણ લાગુ પડશે. એસબીઆઇએ ગયા મહિને એફડી પર વ્યાજદર ઘટાડતા, બેન્ક ઓફ બરોડાએ પણ એના એફડી માટેના વ્યાજદરને ઘટાડી નાખ્યા હતા. એસબીઆઇએ બધી મુદત માટે એમસીએલઆર રેટ 15 બેઝિસ પોઇન્ટ ઘટાડવાની ઘોષણા કરી છે.