Get The App

ઉદયપુરમાં નુપુરના સમર્થનમાં પોસ્ટ મૂકવા બદલ ગળુ કાપી હત્યા : બે આરોપી પકડાયા

Updated: Jun 29th, 2022

GS TEAM

Google News
Google News
ઉદયપુરમાં નુપુરના સમર્થનમાં પોસ્ટ મૂકવા બદલ ગળુ કાપી હત્યા : બે આરોપી પકડાયા 1 - image


- ભરબજારે તાલિબાની સ્ટાઇલે કન્હૈયાલાલને રહેંસી નખાયા, વીડિયો બનાવી પીએમ મોદીને પણ ધમકી

- હત્યા બાદ ઉદયપુરમાં ભારેલો અગ્નિ, ઇન્ટરનેટ બંધ, 600થી વધુ પોલીસકર્મીઓને તૈનાત  હત્યાકાંડ પાછળ આતંકીઓ હોવાની શંકા, ગૃહ મંત્રાલયે એનઆઇએની ટીમ મોકલી

- મૃતક કન્હૈયાલાલે નુપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ કરી તે બાદ હત્યાની ધમકીઓ મળી હતી

ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં એક દરજીની ધોળા દિવસે ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી, એટલુ જ નહીં તાલિબાની સ્ટાઇલે હત્યા કરનારાઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર જાહેર કરીને ધાકધમકી પણ આપી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજસ્થાન અને દેશના અન્ય શહેરોમાં તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે. હિંસા ન ભડકે તેને ધ્યાનમાં રાખીને ઉદયપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે સાથે જ ૬૦૦ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે.  બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં આતંકવાદી કૃત્ય હોવાની શંકાના આધારે એનઆઈએની ટીમ તપાસ માટે ઉદયપુર પહોંચી ગઈ છે.

મોહમ્મદ પયગંબર અંગે વિવાદિત નિવેદન કરનારા ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા નૂપુર શર્માનું સમર્થન કરતી એક પોસ્ટ મૃતક કન્હૈયા લાલ દ્વારા સોશિયલ મીડિયા પર જારી કરવામાં આવી હતી. જેને પગલે તેમને ઘણા સમયથી ધાકધમકીઓ મળી રહી હતી. પોલીસ દ્વારા તેમને સુરક્ષા પણ આપવામાં આવી હતી. જોકે જેવી સુરક્ષા હટાવવામાં આવી તેના છ દિવસ બાદ તેમની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. જેને પગલે હાલ ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિ તંગદીલ બની ગઇ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઉદયપુરના રહેવાસી કન્હૈયાલાલ તેલી સિલાઇકામ કરે છે, તેઓ મંગળવારે રાબેતા મુજબ પોતાની દુકાને ગયા હતા અને પોતાનું કામ કરી રહ્યા હતા. એવામાં બે શખ્સો સિલાઇકામ કરાવવાના બહાને દુકાનમાં પ્રવેશ્યા હતા, કન્હૈયાલાલ કઇ સમજે તે પહેલા જ આ બન્ને શખ્સોએ તેને પકડીને એક ચાકુથી તેમનું ગળુ કાપીને હત્યા કરી દેવાઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી હત્યારાઓએ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી. પોલીસ વિભાગના એડિશનલ ડાયરેક્ટર હવાસિંઘ ઘુમારીયાએ કહ્યું હતું કે એક પણ હત્યારાને બક્ષવામાં નહીં આવે. સાથે તેઓએ લોકોને અપીલ કરી હતી કે હત્યાનો આ વીડિયો લોકો ન જોવે કે કોઇને શેર ન કરે. 

બીજી બાજુ ઉદયપુરમાં દરજીની જાહેરમાં હત્યા કર્યા બાદ હત્યારાઓએ સોશિયલ મીડિયા પર જે વીડિયો પોસ્ટ કર્યો તેમાં તેઓએ દાવો કર્યો હતો કે ઇસ્લામના અપમાનનો બદલો લેવા આ હત્યા કરી છે. એવા અહેવાલ છે કે આ હત્યાકાંડ પાછળ આતંકવાદીઓ જવાબદાર હોઇ શકે છે. જેને પગલે ગૃહ મંત્રાલય દ્વારા એનઆઇએની એક ટીમને ઉદયપુર રવાના કરવામાં આવી છે. જે આ હત્યાકાંડના આતંકી એંગલથી તપાસ કરશે. સાથે જ આ કેસને એનઆઇએને સોપવામાં આવી શકે છે. એક અધિકારીએ જણાવ્યંુ હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ આ હત્યાકાંડ આતંકી કૃત્ય લાગી રહ્યું છે. જ્યારે વીડિયો પોસ્ટ કરનારા અને હત્યાની જવાબદારી લેનારાઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઇ છે.  

રાજસ્થાનના બધા જિલ્લાઓમાં એલર્ટ

જે વીડિયો સોશિયલ મીડિયા પર જારી થયો છે તેમાં મોહમ્મદ રિયાઝ અખ્તર અને મોહમ્મદ ઘોષના હાથમાં ધાકદાર હથિયાર જોવા મળી રહ્યું છે. તેઓએ આ હત્યાની જવાબદારી લીધી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયા બાદ રાજસ્થાનના બધા જ જિલ્લામા પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અને શાંતિ જાળવવા માટે દરેક જિલ્લાના એસપી અને આઇજીને આદેશ અપાયા છે. ઉદયપુરમાં ૨૪ કલાક માટે ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરાઇ છે. 

હત્યારાઓને બક્ષવામાં નહીં આવે, શાંતિ જાળવો : ગેહલોત

પોલીસના જણાવ્યા અનુસાર કન્હૈયાલાલે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માને સમર્થન કરતી પોસ્ટ કરી તે બાદ કેટલાક સંગઠનો અને અસામાજિક તત્વો દ્વારા તેમને હત્યાની ધમકીઓ મળી રહી હતી. આ ઘટનાને શરમજનક અને દર્દનાક ગણાવીને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે આકરા પગલા લેવામાં આવશે, સાથે હું લોકોને વિનંતી કરંુ છું કે તેઓ શાંતિ જાળવી રાખે અને ઘટનાનો વીડિયો જાહેર ન કરે કેમ કે તેનાથી અપરાધીઓ સમાજમાં જે નફરત ફેલાવવા માગે છે તેમાં તેઓ સફળ થશે. હાલ આ સમગ્ર મામલામાં બે શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ કરાઇ રહી છે. 

રિયાઝે ગળુ કાપ્યું, તેના સાથીએ વીડિયો બનાવ્યો

પોલીસે જણાવ્યું હતું કે બે હુમલાખોરો પૈકી એક મોહમ્મદ રિયાઝ અખ્તરે કન્હૈયા લાલનું ગળુ કાપી હત્યા કરી હતી જ્યારે તેની સાથે આવેલા અન્ય શખ્સે સમગ્ર હત્યાનો વીડિયો બનાવ્યો હતો. 

બાદમાં આ વીડિયોને અન્ય એક ધમકી આપતા વીડિયોની સાથે સોશિયલ મીડિયા પર જારી કર્યો હતો, જે બાદ સમગ્ર મામલો આગની જેમ ફેલાયો હતો.

 ઉદયપુરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને આગની કેટલીક ઘટનાઓ પણ બની છે. 

ઘાતકી હત્યાકાંડ ઇસ્લામની વિરુદ્ધ, હત્યારાઓને સજા આપો : જમિયત

ભારતના ટોચના મુસ્લિમ સંગઠનોમાં સામેલ જમિયત ઉલેમા-એ-હિન્દે ઉદયપુર હત્યાકાંડની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ હત્યાકાંડ ઇસ્લામની વિરુદ્ધમાં છે. જે પણ હત્યા પાછળ જવાબદાર હોય તેમને આકરી સજા આપવામાં આવે. જમિયતના જનરલ સેક્રેટરી મૌલાના હકીમુદ્દીન કાસ્મીએ એક નિવેદન આપી જણાવ્યું હતું કે આ હત્યાકાંડ ઇસ્લામ અને કાયદાની વિરુદ્ધમાં છે. કોઇને પણ કાયદો હાથમાં લેવાની સત્તા નથી. સાથે જ દેશભરમાં શાંતિની તેઓએ અપીલ પણ કરી હતી. ઇસ્લામના અપમાન બદલ આ હત્યા કરી હોવાનો દાવો કરતો એક વીડિયો જારી થયો હતો, જે બાદ જમિયત દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું અને હત્યારાઓનું સમર્થન ન કરવા લોકોને અપીલ કરી હતી. 

Tags :