For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાણા મંત્રીએ કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી

Updated: Jun 28th, 2021

Article Content Image

- તે સિવાય હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે

નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર

નાણા મંત્રી નિર્મલા સીતારામણે કોવિડ પ્રભાવિત સેક્ટર્સ માટે 1.1 લાખ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં નવો પ્રાણ ફુંકવા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે.

તે સિવાય હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ નોન મેટ્રો મેડિકલ ઈન્ફ્રા માટે વાપરવામાં આવશે. હકીકતે કોરોનાની બીજી લહેરના કારણે અનેક સેક્ટર્સ સંકટમાં છે અને સતત સરકાર પાસે મદદની માગણી કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા સરકારે પણ જે સૌથી વધારે સંકટમાં હોય તેવા સેક્ટર્સને મદદ કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે તેમ જણાવ્યું હતું. 

નાણા મંત્રીએ નાના ઉદ્યોગોને મદદ કરવા માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ (ECLGS) માટે ફન્ડિંગમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હાલ આ સ્કીમ 3 લાખ કરોડ રૂપિયાની છે જેને વધારીને 4.5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. 

સરકાર આ નવા પેકેજ દ્વારા એવા સેક્ટરને મદદ પહોંચાડવા પ્રયત્ન કરી રહી છે જે હાલના રાજ્યોના લોકડાઉનના કારણે પ્રભાવિત થયા હોય. 

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે જે સેક્ટર્સને આવા રાહત પેકેજનો ફાયદો મળી શકે છે તેમાં ટુરિઝમ, એવિએશન અને હોસ્પિટાલિટી ઉપરાંત નાની અને મધ્યમ કંપનીઓનો સમાવેશ થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીથી પ્રભાવિત ઈકોનોમીને બહાર લાવવા માટે કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. સરકારનું તે રાહત પેકેજ કુલ 27.1 લાખ કરોડ રૂપિયાનું હતું જે કુલ જીડીપીના 13 ટકા કરતા પણ વધારે હતું. 


Gujarat