ફરીદાબાદમાં જળબંબાકાર, ગુરૂગ્રામ હાઈવેમાં પાંચ કિ.મી. લાંબો ટ્રાફિક જામ


- દિલ્હી-ગુરૂગ્રામ હાઈવે પર પાણી ભરાતાં વાહનચાલકો ફસાયા

- ફિરોઝાબાદના આશ્રમમાં પાર્ક થયેલી 100થી વધુ ગાડીઓ ડૂબી ગઈ, શિકોહાબાદમાં ઘર ધરાશાયી થતાં એક બાળકનું મોત

નવી દિલ્હી : ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું હતું. દિલ્હી-ગુરૂગ્રામ એક્સપ્રેસવેમાં પાણી ભરાઈ જતાં પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ફરીદાબાદમાં સતત આઠ કલાક વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી. અસંખ્ય વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. દિવસભર વરસાદ થયો હતો.

ગુરૂગ્રામમાં ભારે વરસાદ પડયો હતો. દિવસભર પડેલા વરસાદના કારણે દિલ્હી-ગુરૂગ્રામ એક્સપ્રેસવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. અસંખ્ય વાહનચાલકો રસ્તામાં પાણી ભરાઈ જતાં ફસાઈ ગયા હતા. આ ટ્રાફિકજામ દિલ્હીથી જયપુર જતાં રસ્તા પર થયો હતો. હાઈવેનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. દિલ્હી-એનસીઆરીમાં સમગ્ર દિવસ દરમિયાન વરસાદ પડતા વ્યાપક અસર થઈ હતી અને જનજીવન ખોરવાયું હતું.

ફરીદાબાદમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. સાત કલાક સુધી સતત વરસાદ વરસતા ફરીદાબાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ફિરોઝાબાદમાં બૌદ્ધ આશ્રમમાં પાર્ક થયેલી લગભગ ૧૦૦ જેટલી કાર પાણીમાં ડૂબી ગઈ હતી. તો એક બાઈક પાણીમાં તરતી હોવાનો વીડિયો પણ ભારે વાયરલ થયો હતો. શિકોહાબાદમાં પણ ભારે વરસાદથી એક મકાન ધરાશાયી થઈ હતું, જેમાં એક બાળકનું મોત થયું હતું. કુલ ૧૨ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રામગઢ વિસ્તારના જાટવપુરીમાં ૪૦ જેટલી કાર ડૂબી ગઈ હતી. દિલ્હી-એનસીઆરના કેટલાક સ્થળોમાં છ-છ ફૂટ પાણી ભરાઈ ગયું હતું. કેટલાક લોકોના ઘરનો સામાન પાણીમાં તણાઈ ગયો હતો. ૧૦ દિવસ સુધી ચાલનારા રામલીલા મહોત્સવને પણ આ વરસાદના કારણે અસર થશે. મહોત્સવના પરિસરમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાઈ જતાં આયોજનોએ ચિંતા વ્યક્ત કરી હતી.

City News

Sports

RECENT NEWS