Get The App

VIDEO: કર્ણાટકમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, હુબલીમાં નદી તોફાની બની, સ્કૂલોમાં રજા જાહેર

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO: કર્ણાટકમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, હુબલીમાં નદી તોફાની બની, સ્કૂલોમાં રજા જાહેર 1 - image


Karnataka Heavy Rain: ભારતીય હવામાન વિભાગ (IMD)એ કર્ણાટકમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કર્ણાટકના ધારવાડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર દિવ્યા પ્રભુએ ગુરુવારે તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળા, પીયુ અને ડિગ્રી કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરી છે.

IMDએ કર્ણાટક માટે 7 દિવસનું એલર્ટ જારી કર્યું છે, જેમાં 17 જૂન સુધી લગભગ તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ધારવાડના હુબલી વિસ્તારમાં ગુરુવારે સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે હુબલીમાં નદી તોફાની બની છે અને જિલ્લાના ઘણા હિસ્સામાં ખાસ કરીને હનાશી ગામમાં ખૂબ પાણી ભરાયા છે.

ક્યાં સુધી રેડ એલર્ટ જારી કર્યું?

હવામાન વિભાગે જણાવ્યું છે કે, '17 જૂન સુધી દરિયાકાંઠા અને ઉત્તર આતંરિક કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડશે. તો બીજી તરફ 14 જૂન સુધી દક્ષિણ આતંરિક કર્ણાટકના જિલ્લામાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. '


IMDએ કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર કર્ણાટકમાં કેટલાક સ્થળોએ 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

IMDએ શું કહ્યું?

IMDએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, 'કોપ્પલ, હાવેરી, બાગલકોટ, વિજયપુરા, કાલાબુર્ગી અને રાયચુર જિલ્લામાં એક કે બે સ્થળોએ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. બીદર અને યાદગીર જિલ્લામાં મોટાભાગના સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે.'


દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ સાથે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે, જે કેટલાક સ્થળો પર થવાની શક્યતા છે અને શિવમોગા, ચિક્કમગલુરુ અને કોડાગુ જિલ્લામાં એક કે બે સ્થળોએ સમાન ગતિએ સતત પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. 



પૂરમાં ફસાયો પરિવાર

આ સાથે જ આખી રાત પડેલા ભારે વરસાદના કારણે તુપરી ઝીલમાં પૂર આવવાથી નવલગુંડ તાલુકાના યમનૂર ગામ નજીક ચાર લોકોનો એક પરિવાર પોતાના ફાર્મહાઉસમાં ફસાઈ ગયો. પૂરના વધી રહેલા પાણીએ ઘરને ઘેરી લીધુ, જેના કારણે તેનો સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચો: VIDEO: બિહારમાં ભાજપના ઝંડાવાળી કાર વડે 3 પોલીસકર્મીને કચડ્યાં, મહિલા કોન્સ્ટેબલનું મોત

ગડગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે યાવગલ ગામ નજીક રોન તાલુકામાં બેન્ને હલ્લા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પુલ પર પાણી ભરાઈ જવાના કારણે રોન-નારગુંડ-યાવગલ રસ્તો બંધ કરવો પડ્યો, જેના કારણે સ્થાનિકો, મુસાફરો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ઠેર-ઠેર પાણી ભરાયા

બીજી તરફ અંબિકા નગર ઉંકલ વિસ્તારમાં મૂશળધાર વરસાદના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું. આ ઘટનાથી નજીકના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભારે વરસાદ પછી હુબલીના ઘણા ભાગોમાં પાણી ભરાયા છે. 

Tags :