Get The App

'ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો', પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિવેદન

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
'ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો', પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિવેદન 1 - image


Uttar Pradesh Flood: ઉત્તર પ્રદેશમાં પણ અન્ય રાજ્યની જેમ અનેક સમસ્યાઓ છે. પરંતુ આ સમસ્યોઓના ઉકેલનું મેકેનિઝમ અલગ જ હોય છે. થોડા દિવસો પહેલા યુપીના ઉર્જા મંત્રી અરવિંદ શર્માએ વીજળીની માંગણીઓના જવાબમાં લોકોને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ દરમિયાન યોગી સરકારના મંત્રી સંજય નિષાદે પૂર પીડિતોને કહ્યું કે, 'ગંગા મૈયા ગંગા પુત્રોના પગ ધોવા આવે છે, હવે તમે સીધા સ્વર્ગમાં જશો.'

ઉત્તર પ્રદેશના 17 જિલ્લાઓના 402 ગામ પૂરની ઝપેટમાં 

અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં પૂરના કારણે તબાહી મચી ગઈ છે. રાજ્યના 17 જિલ્લાના 402 ગામો પૂરની ઝપેટમાં છે. લોકોને ઘર છોડીને રાહત છાવણીઓમાં રહેવાની ફરજ પડી છે. કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. પૂરના કારણે હજારો લોકો બેઘર થયા છે. યોગી આદિત્યનાથે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તેમના મંત્રીમંડળના 11 મંત્રીઓને પૂર પર નજર રાખવાની જવાબદારી સોંપી છે. આ બધા મંત્રીઓને રાહત છાવણીઓ, ડેમ અને પાણી ભરાયેલા ગામોની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે.



મુખ્યમંત્રીના આદેશથી ઉત્તર પ્રદેશ સરકારમાં મત્સ્યઉદ્યોગ વિભાગ સંભાળતા સંજય નિષાદ પૂરગ્રસ્ત કાનપુરના ભોગનીપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોકોની સમસ્યાઓ સમજવા અને તેમના દુઃખને શેર કરવાને બદલે પોતાનું દિવ્ય જ્ઞાન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'ગંગા મૈયા ગંગા પુત્રોના પગ ધોવા આવે છે. જેથી તમે સીધા સ્વર્ગમાં જશો. વિરોધીઓ તમને ભડકાવે છે. ગંગા મૈયાનું આવવું તે દરેક માટે સૌભાગ્ય છે.' જોકે, મંત્રી સંજય નિષાદે પૂરગ્રસ્ત વિસ્તારમાં ગંગા મૈયાના ગુણગાન ગાવાનું શરુ કર્યું. પરંતુ તેમને ખબર પણ નહોતી કે ત્યાં પૂર ગંગાના નહીં પણ યમુના નદીના વધતાં જળસ્તરને કારણે આવ્યું છે.

આશ્ચર્યજનક વાત એ છે કે મંત્રી સાથે આવેલા કોઈ પણ સરકારી કર્મચારીએ તેમને આ વિશે કહ્યું નહીં. જો કે તેનાથી કોઈ ફરક પડ્યો હોત તેવી શક્યતા ઓછી છે.

પૂરથી કુલ 84,392  લોકો પ્રભાવિત

અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશમાં પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કાનપુર નગર, લખીમપુર ખેરી, આગ્રા, ઔરૈયા, ચિત્રકૂટ, બલિયા, બાંદા, ગાઝીપુર, મિર્ઝાપુર, પ્રયાગરાજ, વારાણસી, ચંદૌલી, જાલૌન, કાનપુર દેહત, હમીરપુર, ઇટાવા અને ફતેહપુરનો સમાવેશ થાય છે. પૂરથી કુલ 84,392 લોકો પ્રભાવિત થયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 47,906 પીડિતોને રાહત સહાય પૂરી પાડવામાં આવી છે. અત્યાર સુધીમાં 493 મોટરબોટની મદદથી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. અને પૂરને કારણે 343 ઘરોને નુકસાન થયું છે.

Tags :