હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પણ પૂરનો ખતરો, યમુનામાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું
Flood Alert In Delhi : હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે, જેને કારણે વહીવટીતંત્ર દ્વારા પૂરનું એલર્ટ જારી કરાયું છે. દિલ્હી સરકારે સાવચેતીનાં પગલાં વધારી દીધાં છે. હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલું પાણી આજે (મંગળવારે) સાંજ 5:00 થી 8:00 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચવાની સંભાવના છે, જેના પરિણામે યમુનાનું જળસ્તર 206 મીટર સુધી પહોંચી શકે છે. વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને ઓલ્ડ યમુના બ્રિજ પર ટ્રાફિક રોકવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
સરકાર પૂરને પહોંચી વળવા માટે તૈયાર : મુખ્યમંત્રી
પૂરની સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, સરકાર સંપૂર્ણપણે તૈયાર છે. પાછલા છ મહિનામાં નાળાંઓની યુદ્ધના ધોરણે સફાઈ કરાઈ છે, જેના કારણે તમામ અવરોધો દૂર થઈ ગયા છે. બેરેજના તમામ ગેટ ખોલી દેવાયા છે, જેમાંથી પાણી આગળ વધી રહ્યું છે. 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે યમુનાનું જળસ્તર 207 મીટર અથવા તેનાથી થોડું વધારે થઈ શકે છે.’
નદીના પટમાં રહેતા લોકોને એલર્ટ
મુખ્યમંત્રી ગુપ્તાએ 2023માં આવેલા પૂરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તે સમયે યમુનાનું જળસ્તર 208.66 મીટર સુધી પહોંચી ગયું હતું, જેને કારણે ભારે પૂર આવ્યું હતું. જોકે, આ વખતે તૈયારીઓ વધુ મજબૂત છે. આ વર્ષે અગાઉથી જ નદીના વિસ્તારો અને સંભવિત જોખમવાળા સ્થળોની સમીક્ષા કરીને પગલાં લેવામાં આવ્યા છે. નદીના પટમાં રહેતા લોકોને મુશ્કેલી પડી શકે છે, પરંતુ પાણી મુખ્ય માર્ગો સુધી નહીં પહોંચે તેવી આશા છે.
આ પણ વાંચો : 'ભારત સાથે રાજકારણ નહીં, વિશ્વાસનો સંબંધ', PM મોદી સાથેની બેઠકમાં પુતિનનું મોટું નિવેદન
24 કલાકની દેખરેખ અને સુરક્ષા
સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. મુખ્યમંત્રીએ દિલ્હીવાસીઓને કહ્યું કે, ‘અમે દર કલાકે સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ. વર્તમાનમાં યમુનાનું જળસ્તર 205.6 મીટર છે. અમારી ટીમો સંપૂર્ણપણે સજ્જ છે.’ દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર, હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલું પાણી દિલ્હી સુધી પહોંચવામાં 48થી 50 કલાકનો સમય લાગે છે.
નોઈડા અને ગાઝિયાબાદમાં પણ એલર્ટ
દિલ્હીની જેમ નોઈડા અને ગાઝિયાબાદમાં પણ તંત્ર સક્રિય થઈ ગયું છે. યમુના નદીના પટ પર આવેલા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ અપાયું છે. સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમમાં 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.