Get The App

બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા 1 - image


સરહદે ઘૂસણખોરી, જવાનો પર હુમલાની ઘટના કેમેરામાં રેકોર્ડ કરાશે

ઘૂસણખોરોના ડેટા સ્ટોર કરવા બાયોમેટ્રિક ડિવાઇસ લગાવાશે, તમામ માહિતી એફઆરઓ પાસે મોકલાશે

નવી દિલ્હી: બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના જવાનોને પાંચ હજારથી વધુ બોડી કેમેરા પુરા પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભારતની બાંગ્લાદેશ સરહદ પર જે જવાનો તૈનાત છે તેમને આ કેમેરા આપવામાં આવશે. ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા તેમજ જવાનો પર હુમલાની ઘટનાઓને રેકોર્ડ કરવા આ કેમેરા અપાયા છે. 

અધિકારીઓએ પીટીઆઇને જણાવ્યું હતું કે ૪૦૯૬ કિમી ફ્રન્ટ પર બોર્ડર આઉટપોસ્ટ્સે સારી ક્વોલિટીના ગેજેટ તૈનાત કરાશે કે જેનો ઉપયોગ ફિંગર પ્રિન્ટ્સ કે આઇ સ્કેન માટે થશે. 

ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓની જાણકારી આ ડિવાઇસમાં સ્ટોર થશે જે બાદમાં ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઓ) સુધી પહોંચાડવામાં આવશે. 

સાથે જ બાંગ્લાદેશ સરહદે તૈનાત બીએસએફ જવાનોને પાંચ હજાર જેટલા બોડી કેમેરા આપવામાં આવ્યા છે, આ કેમેરા અંધારામાં પણ રેકોર્ડિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. ૧૨થી ૧૪ કલાક સુધી રેકોર્ડિંગ કરી શકતા કેમેરા બાંગ્લાદેશ સરહદે થતી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓને રેકોર્ડ કરી શકશે. બીએસએફના જવાનો પર હુમલા થાય તેવી સ્થિતિમાં આ કેમેરામાં રેકોર્ડ થયેલી ઘટનાને પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. જેથી બાદમાં આરોપીઓની સામે યોગ્ય કાર્યવાહી કરી શકાય. બાંગ્લાદેશમાં ઓગસ્ટ ૨૦૨૪ના રોજ શેખ હસીનાની સરકારને ઉથલાવવામાં આવી હતી અને કટ્ટરવાદીઓ દ્વારા સત્તા ઝૂંટવી લેવામાં આવી હતી, જે બાદથી જ બાંગ્લાદેશ અને ભારતની સરહદે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 તાજેતરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સામે પણ કાર્યવાહી ઝડપી બનાવાઇ છે. બાંગ્લાદેશ સરહદે તૈનાત જવાનો પર હુમલાની ગયા વર્ષે ૭૭ ઘટના સામે આવી હતી. જ્યારે આ વર્ષે જૂન સુધીમાં આવી ૩૫ જેટલી ઘટનાઓ સામે આવી ચુકી છે.    


Tags :