Get The App

સંસદ સત્રના પાંચ દિવસ વેડફાયા : રાજકારણમાં પ્રજાના રૂ. 50 કરોડનો ધૂમાડો

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
સંસદ સત્રના પાંચ દિવસ વેડફાયા : રાજકારણમાં પ્રજાના રૂ. 50 કરોડનો ધૂમાડો 1 - image


- આગામી સપ્તાહ પણ તોફાની રહેશે

- રાહુલના માફી માગવાનો સવાલ જ નથી, જેપીસી મુદ્દે પણ સમજૂતી નહીં : કોંગ્રેસનું ભાજપને અલ્ટીમેટમ

નવી દિલ્હી : અદાણી-હિન્ડનબર્ગ વિવાદમાં જેપીસીની રચનાની કોંગ્રેસ સહિત વિપક્ષની માગ તથા બ્રિટનમાં ભારત વિરોધી નિવેદન બદલ રાહુલ ગાંધી પાસે માફીની ભાજપની માગણીના ઘર્ષણમાં સંસદના બજેટ સત્રના બીજા ભાગનું એક સપ્તાહ ધોવાઈ ગયું છે. હવે આગામી સપ્તાહ પણ તોફાની બની રહેવાના સંકેત મળે છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધીના માફી માગવાનો સવાલ જ નથી તેમજ અદાણી વિવાદમાં જેપીસીની રચના મુદ્દે પણ વિપક્ષ કોઈ સમાધાન નહીં કરે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે શનિવારે જણાવ્યું હતું કે, અદાણી જૂથના વિવાદમાં ૧૬ પક્ષોની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) રચવાની વિપક્ષની માગણીથી સરકાર ગભરાઈ ગઈ છે. તેથી તે '૩ડી અભિયાન' એટલે કે ડિસ્ટોર્ટ (વિકૃત કરવું), ડીફેમ (બદનામ કરવા) અને ડાઈવર્ટ (ધ્યાન ભટકાવવું)માં લાગી છે. રમેશે આક્ષેપ કર્યો કે વિપક્ષની જેપીસી રચવાની માગથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી રહ્યો છે જ્યારે રાહુલ ગાંધીએ શાસક પક્ષ કહી રહ્યો છે એવું કશું જ કહ્યું નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જ કહ્યું હતું કે, વિપક્ષ વાટાઘાટો માટે આગળ આવે તો સંસદમાં ચાલતો વર્તમાન અવરોધ દૂર થઈ શકે છે. વિપક્ષ બે પગલાં આગળ વધે તો સરકાર તેનાથી બે પગલાં આગળ વધશે. જોકે, અમિત શાહની આ હાકલના જવાબમાં રમેશને પૂછવામાં આવ્યું કે સંસદમાં મડાગાંઠ દૂર કરવા કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે? તો જવાબમાં કોંગ્રેસ મહાસચિવે કહ્યું, તેમને કોઈ વચ્ચેનો રસ્તો દેખાતો નથી. કારણ કે જેપીસીની અમારી માગણી અંગે કોઈ સમજૂતી થશે નહીં તથા રાહુલ ગાંધી માફી માગે તેવો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને કેટલાક અન્ય દેશોમાં ભારતના વિપક્ષની આકરી ટીકા કરી હતી અને રાજકીય મુદ્દા ઉઠાવ્યા હતા. કોઈએ જો માફી માગવાની હોય તો તે વડાપ્રધાને માગવી જોઈએ. હવે ભાજપે રાહુલ ગાંધીનું સભ્યપદ ખતમ કરવા અંગે માગ કરી છે તેવા સવાલના જવાબમાં જયરામ રમેશે કહ્યું કે આ ધમકી આપવાનો પ્રયત્ન છે. તેમણે એમ પણ કહ્યં  કે, રાહુલ ગાંધીને ગૃહમાં બોલવાની તક કેમ નથી અપાઈ? સંસદમાં વિપક્ષને બોલવા નથી દેવાતા, પરંતુ મડાગાંઠ દૂર કરવા માટે વિપક્ષને જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હકીકતમાં સંસદમાં અવરોધો માટે માત્ર ને માત્ર સત્તા પક્ષ જવાબદાર છે.

દરમિયાન વર્ષ ૨૦૦૮ પછી પહેલી વખત શાસક પક્ષના હોબાળાના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. ૨૦૦૮માં અમેરિકા સાથે પરમાણુ સમજૂતી પછી યુપીએ સાથે સત્તામાં સામેલ ડાબેરીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. અદાણી વિવાદ અને રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે સતત પાંચમા દિવસે સંસદની કાર્યવાહી થઈ શકી નહીં. બજેટ સત્રનો બીજો તબક્કો ૧૩ માર્ચથી શરૂ થયો, પરંતુ હોબાળાના કારણે એક પણ દિવસ ગૃહની કાર્યવાહી પૂરી થઈ શકી નહીં. સંસદના આ સત્રમાં ૩૫ બિલ પેન્ડિંગ છે ત્યારે પાંચ દિવસમાં માત્ર ૪૨ મિનિટ જ લોકસભા અને ૫૫ મિનિટ રાજ્યસભાની કાર્યવાહી ચાલી. સરકાર અને વિપક્ષના આ હોબાળાના કારણે જનતાના રૂ. ૫૦ કરોડનો ધૂમાડો થઈ ગયો હતો. વધુમાં આગામી સપ્તાહે પણ સરકાર-વિપક્ષ વચ્ચે મડાગાંઠ દૂર થવાના કોઈ સંકેત દેખાતા નથી.

Tags :