કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ
Jammu and Kashmir Snowfall News : કાશ્મીરમાં બરફનો વરસાદ થાય એટલે દેશમાં શિયાળાની શરૂઆત થઈ કહેવાય. જમ્મુ-કાશ્મીરના અનેક પહાડી વિસ્તારોમાં સીઝનનો પહેલો બરફ પડયો છે. પ્રવાસીઓએ હળવી બરફવર્ષાનો આનંદ લીધો હતો. અત્યારે કાશ્મીરના પ્રવાસે છે એવા પ્રવાસીઓએ આ બરફવર્ષાને જાદુઈ અનુભવ ગણાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં સીઝનની પહેલી બરફવર્ષા થઈ હતી. બારામુલ્લામાં ગુલમર્ગ અને અનંતનાગના સિન્થાનમાં હળવો બરફ પડયો હતો. સ્કીઈંગ માટે જાણીતા સ્થળોએ બરફ પડયો બહોવાથી કાશ્મીરમાં પહોંચેલા પર્યટકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વિસ્તારની પહાડીઓએ જાણે બરફની સફેદ ચાદર ઓઢી લીધી હોય અને શિયાળાના આગમનની છડી પોકારી હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું.
Sinthan Top Received Season's first snowfall this morning pic.twitter.com/EdALDWiViG
— Kashmir Weather Forecast (@KashmirForecast) October 3, 2025
સામાન્ય રીતે ઓક્ટોબરના મધ્યમમાં કાશ્મીરમાં બરફવર્ષા થતી હોય છે, પરંતુ ઓક્ટોબરની શરૂઆતમાં જ બરફનો વરસાદ થઈ જતાં શિયાળો વહેલો આવશે. ઓક્ટોબરના પહેલા બે વીકમાં જે પ્રવાસીઓ કાશ્મીરમાં જતા હોય છે તેમને બરફવર્ષાની અપેક્ષા ઓછી હોય છે, એ સૌ પ્રવાસીઓને સુખદ આશ્વર્ય થયું હતું. હવામાન વિભાગે કહ્યું હતું કે હળવા બરફના વરસાદથી સીઝન શરૂ થઈ ચૂકી છે, આગામી દિવસોમાં વધુ બરફવર્ષાની પૂરી શક્યતા છે. શ્રીનગર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડે એવી પણ શક્યતા છે.