પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી
રાષ્ટ્રપતિ સાથે અચાનક મુલાકાતની અનેક અટકળો
ભારત પર ટ્રમ્પના ટેરિફ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, બિહાર મુદ્દે વિપક્ષના વિવાદ વચ્ચે મુલાકાત યોજાઇ
થોડા દિવસ પહેલા જ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપી દીધુ હતું, જ્યારે ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે એવા સમયે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિની આ મુલાકાત લીધી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી હતી.
જ્યારે બિહારમાં મતદારોના વેરિફિકેશન મુદ્દે વિપક્ષે સંસદમાં હોબાળો મચાવ્યો છે. મણિપુરમાં લાગુ કરાયેલુ રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના લંબાવાયું છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની મુલાકાત યોજાતા અનેક અટકળો ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ભવને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીની મુલાકાતો અંગેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી, જોકે આ મુલાકાતના મુદ્દા શું હતા તેની કોઇ જ વિગતો જાહેર કરવામાં આવી નથી.