હૈદરાબાદમાં રહેણાંક ઇમારતમાં આગ : આઠ બાળકો સહિત 17નાં મોત
- શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા
- વડાપ્રધાને ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ અને ઘાયલોને 50,000 આપવાની જાહેરાત કરી
- ધુમાડાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો : બહાર નીકળવા માટે એક જ સીડી હતી
સિનિયર પાલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં લઇ જવામાં આવનારા તમામ ૧૭ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ ઇમારતમાંથી બહાર નીકળવા માટે એક માત્ર માર્ગ લાંબી અને સાંકડી સીડી હતી પણ લોકો આ માર્ગમાંથી ઝડપથી બહાર નીકળી શક્યા ન હતાં.
પોલીસે જણાવ્યું હતું કે ઇમારતના ગ્રાઉન્ડ ફલોર પર જ્વેલરીની દુકાનો હતી અને અને ઉપરના ભાગમાં બનાવવામાં આવેલા ફલેટમાં લોકો રહેતા હતાં. ધુમાડો ફેલાવવાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.
તેલંગણા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ ફાયર સર્વિસીસના ડાયરેક્ટર જનરલ વાય નાગી રેડ્ડી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે સવારે ૬ થી ૬.૧૫ વાગ્યાની વચ્ચે આગ લાગી હતી.
૬.૧૬ વાગ્યે ફાયરબ્રિગેડને આગની જાણ કરવામાં આવી હતી અને ૬.૧૭ વાગ્યે ફાયરબ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઇ ગયા હતાં. ગ્રાઉન્ડ ફલોર પર દુકાનો હતો અને પ્રથમ તથા બીજા માળે લોકો રહેતા હતાં.
રેડ્ડીના જણાવ્યા અનુસાર પ્રથમ નજરે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઇમારતમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ હતો અને તે પણ સાંકડી સીડી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.