Uttarakhand Fire : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જોશીમઠ-ઔલી રોડ પર સ્થિત ભારતીય સેનાના કેમ્પમાં આજે (2 જાન્યુઆરી) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગ કેમ્પની અંદર આવેલા એક સ્ટોર રૂમમાં લાગી હતી, જેમાં રાખવામાં આવેલો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હોવાના અહેવાલ છે.
ભારે પવનના કારણે આગ વધુ ફેલાઈ
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, વિસ્તારમાં ફૂંકાતા તેજ પવનના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના વિસ્તારમાં આકાશમાં કાળા ધુમાડાના ગોટા અને ઊંચી જ્વાળાઓ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
આ પણ વાંચો : કોંગ્રેસ સરકારના સરવેમાં 83 ટકા લોકોને EVM પર ભરોસો, ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
અધિકારીઓએ તપાસના આદેશ આપ્યો
સેનાના જવાનો અને ફાયર વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ સેનાની મિલકતને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. લશ્કરી અધિકારીઓ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : '2 લાખ આપી છટકશો નહીં, માફી માગો...', ઈન્દોર મામલે ઉમા ભારતીએ ભાજપ સરકારને ઝાટકી


