VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, થોડો સમય માટે બંધ કરવા પડ્યા દર્શન
Fire Near Ujjain Mahakal Temple: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર 1 પર આગની ઘટના સામે આવી છે. અહીં અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. જોકે, પોલીસ તપાસ કરે પછી જ કારણ સ્પષ્ટ થશે.
દર્શન બંધ કરવા પડ્યા
અહેવાલો અનુસાર, સોમવારે (પાંચમી મે) બપોરે હાકાલ મંદિર સ્થિત સુવિધા કેન્દ્રની ઉપર સ્થિત પ્રદૂષણ બોર્ડના કંટ્રોલ રૂમમાં અચાનક આગ લાગી ગઈ હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આ માહિતી તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમને આપવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે કિલોમીટરો દૂર સુધી તેના ધૂમાડાના ગોટે ગોટા જોઈ શકાયા હતા. જોકે, હાલ આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. PTI અનુસાર પરિસરમાં આગની ઘટના બાદ મંદિરમાં થોડો સમય માટે દર્શન બંધ કરવામાં આવ્યા હતા.