Prayagraj News: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળાના સેક્ટર-5 ખાતે નારાયણ શુક્લા ધામ શિબિરમાં મંગળવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ પ્રસરી ગઈ અને આશરે 15 ટેન્ટ તેમજ 20 દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગતાની સાથે જ આખા સેક્ટરમાં નાસભાગ મચી ગઈ હતી અને કલ્પવાસીઓ પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડવા લાગ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
વિકરાળ આગ દૂરથી પણ દેખાઇ
દૂર-દૂર સુધી દેખાઈ આગની જ્વાળાઓ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરની પાંચ ગાડીઓ કામે લગાડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે.
50 કલ્પવાસીઓનું સુરક્ષિત રેસ્ક્યૂ
નારાયણ ધામની મુખ્ય શિબિરમાં આશરે 50 કલ્પવાસીઓ રોકાયેલા હતા. આગ ફાટી નીકળતા જ આખી શિબિરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે સૌપ્રથમ શિબિરમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યૂ કરી તેમને બહાર કાઢ્યા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસની અન્ય શિબિરો પણ ખાલી કરાવવામાં આવી હતી. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. નોંધનીય છે કે, મકરસંક્રાંતિ પહેલા સંગમ કિનારે શ્રદ્ધાળુઓની ભીડમાં મોટો વધારો થયો છે.


