દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi CM Rekha Gupta : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલા મામલે ઉત્તરી જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 109 મુજબ હત્યાના પ્રયાસ સહિત ત્રણ કલમ હેઠળ FIR નોંધી છે.
આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે લોક દરબાર દરમિયાન હુમલો કરનારા શખ્સ રાજેશ ખીમજીભાઈ સાકરિયા ગુજરાતના રાજકોટનો રહેવાસી નીકળ્યો. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. સમગ્ર મામલે સંયુક્ત કમિશ્નર મધુર વર્માએ જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી પર હુમલા મામલે હજુ સુધી કોઈ પ્રકારે ગુનાહિત કાવતરું ઘડાયું હોવાનું સામે આવ્યું નથી, ત્યારે કેસમાં તે પ્રકારની કલમનો સમાવેશ કરાયો નથી. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી એકલો હતો અને કોઈ સંગઠિત કાવતરાના સંકેત મળ્યા નથી.'
આરોપીને કોર્ટમાં રજૂ કરાશે
અધિકારીએ જણાવ્યું કે, સિવિલ લાઇન્સ પોલિસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા(BNS)ની 109(1)/132/221 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં હાજર કરીને અઠવાડિયાના રિમાન્ડ મેળવાની કામગીરી કરાશે. સંયુક્ત કમિશ્નર મુજબ, તપાસમાં જો ગુનાહિત કાવતરાની જાણ થશે તો આરોપી વિરુદ્ધમાં તેની પણ કલમો ઉમેરવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરુઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો
41 વર્ષીય રાજેશ માનસિક રીતે બીમાર
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લાફો ઝીંકી દેનારો રાજેશ માનસિક રીતે બીમાર હોવાનું તેની માતાએ જણાવ્યું છે. રાજેશની માતા ભાનુ બહેને જણાવ્યું હતું કે, 'મારા દીકરાનું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી. તે પરિવારના સભ્યો પર પણ અવારનવાર હુમલા કરે છે. અમે તેની સારવાર કરાવવા સમર્થ નથી. તે રિક્ષા ચલાવે છે. જો કે, તેણે અગાઉ ક્યારેય કોઈ બહારની વ્યક્તિ પર હુમલો કર્યો નથી. તે પશુઓને પ્રેમ કરે છે. તેમને ભોજન આપે છે. તે પડોશી સાથે પણ સારી રીતે વર્તે છે.' પડોશીએ પણ રાજેશ માનસિક રીતે બીમાર હોવાનું જણાવ્યું હતું.








