કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઇઆરનો આદેશ
- મધ્ય પ્રદેશ હાઇકોર્ટે મંત્રી વિજય શાહને ફટકાર લગાવી
- કર્નલ સોફિયા કુરેશી અંગે મંત્રીના વાંધાજનક નિવેદનનો વીડિયો વાયરલ, વિપક્ષની રાજીનામાની માગ
ભોપાલ : મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ કામગીરી કરનારા કર્નલ સોફિયા કુરેશી અંગે વાંધાજનક નિવેદન આપ્યું હતું, આ નિવેદનની મધ્ય પ્રદેશ હાઇકોર્ટે નોંધ લીધી હતી અને તાત્કાલીક મંત્રીની સામે ચાર કલાકમાં જ એફઆઇઆર દાખલ કરવા આદેશ આપ્યો હતો. બીજી તરફ લોકોએ સોશિયલ મીડિયા પર મંત્રીના વાંધાજનક નિવેદનની ભારે ટિકા કરી હતી.
એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહે સૈન્યના કર્નલ સોફિયા કુરેશી અંગે વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિજય શાહ પહલગામ હુમલો અને ભારતના ઓપરેશન સિંદૂરની વાત કરી રહ્યા હતા ત્યારે કર્નલ સોફિયા કુરેશી અંગે વારંવાર વાંધાજનક નિવેદન આપ્યા હતા. તેમના આ નિવેદનની વિપક્ષ દ્વારા ભારે ટિકા કરવામાં આવી હતી. જ્યારે લોકોએ પણ સોશિયલ મીડિયા પર મંત્રીની ટિકા કરી હતી. મંત્રીના આ નિવેદનની નોંધ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે સુઓમોટો નોંધ લીધી હતી અને ફટકાર લગાવી હતી. હાઇકોર્ટના ન્યાયાધીશ અતુલ શ્રીધરનની બેંચે કહ્યું હતું કે ચાર કલાકની અંદર મંત્રી વિજય શાહ સામે ફરિયાદ દાખલ કરો. આ મામલે હવે ગુરુવારે વધુ સુનાવણી કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસે વિજય શાહના રાજીનામાની માગણી કરી હતી. નોંધનીય છે કે પાકિસ્તાનના આતંકીઓ સામે ભારતના ઓપરેશન સિંદૂરનું મીડિયા બ્રિફિંગ સૈન્યના કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડ વ્યોમિકા સિંહે સંભાળ્યું હતું અને આ ઓપરેશનની સફળતાની વાત દેશ સુધી પહોંચાડી હતી. દેશભરમાં કર્નલ સોફિયા કુરેશીના વખાણ થઇ રહ્યા છે. એવામાં મંત્રીએ તેમના અંગે વાંધાજનક નિવેદન કરી વિવાદ છેડયો હતો.
કર્નલ સોફિયા કુરેશી માટે કરેલી ધૃણાસ્પદ ટિપ્પણીના વિરોધમાં તાંદલજામાં દેખાવો
વડોદરા : ભારતીય સશસ્ત્ર દળોએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની જાણકારી દેશને આપનાર વડોદરાના ગૌરવ સમાન કર્નલ સોફિયા કુરેશી સામે બે દિવસ પહેલા મધ્યપ્રદેશની ભાજપ સરકારના મિનિસ્ટર વિજય શાહે કરેલી વિવાદાસ્પદ અને અત્યંત વાંધાજનક ટિપ્પણીથી ભારે વિવાદ સર્જાયો છે.
કર્નલ કુરેશીને મિનિસ્ટર વિજય શાહે આતંકવાદીઓની બહેન ગણાવ્યા હતા તેમના ધૃણાસ્પદ નિવેદન પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે.મધ્યપ્રદેશ હાઈકોર્ટે આજે તેમની સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.બીજી તરફ કર્નલ સોફિયાનો પરિવાર જ્યાં રહે છે તે તાંદલજા વિસ્તારમાં પણ મિનિસ્ટર વિજય શાહ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.આજે સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં દેખાવો કર્યા હતા અને મિનિસ્ટર વિજય શાહની ધરપકડ કરવાની માગ કરી હતી.યુવાનોએ ..દેશ કી બેટી કા અપમાન, નહી સહેગા હિન્દુસ્તાન.., વિજય શાહ શરમ કરો...જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિજય શાહના પોસ્ટરો પણ સળગાવ્યા હતા.
દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા પોલીસે ત્રણ યુવાનોની અટકાયત કરી હતી.જેમને પાછળથી છોડી મૂકાયા હતા.સ્થાનિક લોકોનું કહેવું હતું કે, અમે તો શાંતિપૂર્વક દેખાવો કરીને મિનિસ્ટરની ધરપકડની માગ કરી રહ્યા હતા અને પોલીસ અમને જ પકડીને લઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કર્નલ સોફિયાના પિતા અને દાદા પણ ભારતીય સેનામાં હતા.સોફિયાના પિતા તાજમહોમ્મદ કુરેશી તેમજ તેમના ભાઈ, ભાભી અને માતા તાંદલજા વિસ્તારમાં રહે છે.તેમનો પરિવાર ૧૯૮૧થી વડોદરામાં સ્થાયી થયો છે.